નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચે થયેલી ટ્રેડ ડીલ બાદ ભારત રશિયાને બદલે વેનેઝુએલા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદશે તેવી અટકળો તેજ થઈ છે. તેવા સમયે ભારતના વિદેશ મંત્રાલયે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. વિદેશ મંત્રાલયે ઈરાન કટોકટી અને બાંગ્લાદેશ સહિત અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એકસાથે અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે બાંગ્લાદેશની નવી સરકાર સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મુક્યો હતો. તેમણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા અને ટ્રમ્પના 'બોર્ડ ઓફ પીસ' કાર્યક્રમમાં ભારતની ભૂમિકા પર પણ વાત કરી હતી.
વેનેઝુએલા પાસેથી ફ્રુડ ઓઈલની ખરીદી વ્યવસાયિક માપદંડોના આધારે કરાશે
વેનેઝુએલા અને રશિયા પાસેથી ફ્રુડ ઓઈલની ખરીદી અંગે ભારતના વલણને સ્પષ્ટ કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારતે રશિયા અને વેનેઝુએલા બંને પાસેથી તેલ ખરીદવા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ વિષય પર આપવામાં આવેલા નિવેદનો ભારતની નીતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું હતું કે વેનેઝુએલા પાસેથી ફ્રુડ ઓઈલની ખરીદી ત્યારે જ કરવામાં આવશે જયારે તે વ્યાપારિક રીતે ફાયદારૂપ હશે. આનો અર્થ એ છે કે કિંમત, ગુણવત્તા અને લોજિસ્ટિક્સ યોગ્ય હશે તો જ આ વિકલ્પ અપનાવવામાં આવશે.
ક્રુડ ઓઈલ પર ભારતનું વલણ સ્પષ્ટ
આ ઉપરાંત તેમણે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ પર ભારતનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે સ્પષ્ટતા કરી કે અમારી ઊર્જા નીતિ દેશની જરૂરિયાતો અને સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. ક્રુડ ઓઈલ અંગેના નિર્ણયો રાષ્ટ્રીય હિત અને વ્યાપારીક લાભોને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.
ભારત ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ પર નજીકથી નજર
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ પર ભારતનું વલણ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે ભારત વિશ્વભરમાં તેના નાગરિકોની સુરક્ષા, દ્વિપક્ષીય સંબંધો અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે ભારત ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ પર નજીકથી નજર રાખી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત ત્યાં રહેતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંપર્ક જાળવી રહ્યું છે.