Thu Aug 27 2026

Logo

શું ફરી કોરોના જેવું લોકડાઉન લાગવાનું છે? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

2026-03-27 12:22:00
Author: Vimal Prajapati
શું ફરી કોરોના જેવું લોકડાઉન લાગવાનું છે? કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

નવી દિલ્હીઃ ઈરાન અને અમેરિકાના યુદ્ધની અસર વિશ્વના અનેક દેશો પર થઈ રહી છે, તેમાં ભારત પણ બાકાત નથી. ખાસ કરીને હોર્મુઝ પર ઈરાને નાકાબંધી કરી તેના કારણે અનેક દેશોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. અત્યારે અનેક દેશો એવા છે, જ્યા તેલ અને ગેસની અછત સર્જાઈ રહી છે. ભારતમાં પણ આવી સ્થિતિ તેવું લાગી રહ્યું છે. ભારતમાં અનેક જગ્યાએ પેટ્રોલ માટે લાઈનો લાગી હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યાં છે. માત્ર પેટ્રોલ જ નહીં પરંતુ ગેસ માટે પણ લાઈનો લાગેલી છે. તેવામાં લોકોને એવો ડર છે કે, સરકાર કોરોના જેવું લોકડાઉન લગાવવાની તૈયારી કરી રહી છે. આના પર હવે સરકાર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ શું સ્થિતિ છે?

કોરોના જેવા લોકડાઉનની અફવા પર સરકારે શું કહ્યું?

સોશિયલ મીડિયામાં થઈ રહેલી દેશવ્યાપી લોકડાઉનની વાતોને સરકારે માત્ર અફવા ગણાવી છે. આ સાથે આવી અફવાઓથી દૂર રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ પ્રધાન હરદીપ પુરીએ સ્પષ્ટપણે કહ્યું છે કે લોકડાઉનના અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે, સરકાર આવી કોઈ યોજના પર વિચાર નથી કરી રહી! કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરી દ્વારા આવા મુશ્કેલ સમયમાં દરેક લોકો શાંત રહેવા જવાબદારી બતાવવા અને એકતામાં રહેવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

 

લોકડાઉનની સમાચાર માત્ર એક અફવા 

આ સાથે સંસદ ભવનમાં મીડિયા સાથે વાત કરતા સંસદીય કાર્ય પ્રધાન કિરેન રિજજુએ પણ કહ્યું છે કે, લોકડાઉનની સમાચાર માત્ર એક અફવા છે. લોકોએ તેના પર ધ્યાન આપવાની જરૂર નથી. એટલે કે, અત્યારે સોશિયલ મીડિયા જે પ્રકારે લોકડાઉનની ચર્ચાઓ થઈ રહી છે, તે માત્ર એક અફવા છે. લોકો વધારે વ્યૂઝ માટે આવા સમાચાર ફેલાવી રહ્યાં છે. આવા સમાચારથી દૂર રહેવા અને તેને વધારે શેર ના કરવા માટે અપીલ કરવામાં આવી છે.