નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈના કારણે LPGની સપ્લાય પર માઠી અસર થઈ છે. કેન્દ્ર સરકારે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશને રાંધણ ગેસના બદલે વૈકલ્પિક ઊર્જા તરીકે 48000 કિલોલિટર કેરોસિનની ફાળવણી કરી છે, આ ક્વોટા નિયમિત માસિક ક્વોટા કરતા 1 લાખ લિટર વધુ છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે તમામ રાજ્યોને કહ્યું હતું કે, જિલ્લાઓમાં વિતરણ કરવા માટે જગ્યા નક્કી કરો અને રાશનની દુકાન અથવા અન્ય સ્થાન પરથી તેનું વિતરણ કરો, પણ આ મુદ્દાને લઈને ખાસ કોઈ ઉત્સાહ રાજ્યોએ દેખાડ્યો નથી અને એનું કારણ પણ સરકાર માટે આત્મનિરીક્ષણ કરનારું છે.
વિતરણ બંધ કરી દીધુ
એક રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં કુલ 17 રાજ્યમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશમાં સુપિરિઅર કેરોસીન ઓઈલ ફાળવવા માટેના આદેશ કરી દીધા છે, જ્યારે હિમાચલ પ્રદેશ અને લદ્દાખે સ્પષ્ટતા કરી છે કે, એમને ત્યાં કેરોસિનની કોઈ જરૂરિયાત નથી. અન્ય રાજ્યો આદેશ જાહેર કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સૌથી મોટો મુદ્દો એ છે કે, ઘણા ઓછો લોકો પાસે કેરોસિનથી ચાલે એવો ચુલો છે અથવા ઘણા ઓછા એવા વેપારીઓ છે જે આ પ્રકારના ચુલા વેચી રહ્યા છે. રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરેમાં 2017ની આસપાસ જ કેરોસિનનું વિતરણ બંધ કરી દીધું હતું.
કેરોસિનના ઉપયોગ માટે સાધન નથી
લોકો પાસે હાલમાં કેરોસિનનો ઉપયોગ થઈ શકે એવું કોઈ સાધન નથી. બીજી તરફ જે તે રાજ્યની વસ્તીની સામે આ ફાળવણીને ઓછી ગણવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે, દરેક જિલ્લાઓમાં માત્ર બે જગ્યાઓ પરથી એનું વિતરણ થશે. જ્યારે રાજ્યના તંત્રનું એવું કહેવું છે કે એકવાર લોકો માર્કેટમાંથી સ્ટવ ખરીદીને કેરોસિનનો ઉપયોગ શરૂ કરી દે, પછી જ્યારે સ્થિતિ સામાન્ય થશે એ સમયે પરિસ્થિતિ વધારે વણસી જશે. આ કોઈ લોકપ્રિય નિર્ણય નથી.
કેરોસિનની જરૂર નથી
હિમાચલ પ્રદેશ અને લદ્દાખ જેવા પહાડી પ્રદેશ ધરાવતા પ્રાંતે કહી દીધું છે કે, અમારે કોઈ પ્રકારે કેરોસિનની જરૂર નથી. કેન્દ્ર સરકાર છેલ્લા એક દાયકાથી ધીમે ધીમે તબક્કાવાર તેને ખતમ કરવાની પોલીસી અપનાવી રહી છે. LPGને વેગ આપવા માટે અને DBT યોજના અંતર્ગત અન્ય રાજ્યને કેરોસિનનો ક્વોટા આપવાના બદલે રોકડા આપીને પ્રોત્સાહન આપવામાં આવે તો સારૂ રહે.
21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ હવે PDS કેરોસિન મુક્ત થયા છે. સરકારના રિપોર્ટ અનુસાર 2023-24માં આ સિસ્ટમ અંતર્ગત માત્ર 10,60,521 કિલોલિટર કેરોસિન ફાળવવામાં આવ્યું હતું. સૌથી વધારે 66 ટકા એટલા પ.બંગાળમાં મળ્યું હતું.સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, કેરોસિન આમ તો રાશનકાર્ડ ધારકોને રાંધવા માટે આપવામાં આવે, પણ કેટલાક રાજ્યોમાં પૂરતી તૈયારીઓનો અભાવ હોવાથી કામ થઈ શક્યું નથી.