Sun Sep 13 2026

Logo

દેશના અનેક રાજ્યો હીટ વેવની ચપેટમાં, વર્ષ 2025માં 84 લોકોએ ગુમાવ્યા હતા જીવ

2026-04-27 16:01:00
Author: Chandrakant Kanoja
દેશના અનેક રાજ્યો હીટ વેવની ચપેટમાં, વર્ષ 2025માં 84 લોકોએ ગુમાવ્યા હતા જીવ

દેશમાં હીટ વેવના લીધે અનેક રાજ્યોનું તાપમાન વધી રહ્યું છે. જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીનું તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે. જેના પગલે હવામાન વિભાગે દિલ્હીમાં યલો એલર્ટ જાહેર કર્યું છે.જોકે, હિટ હીટ વેવના પગલે અનેક રાજયોમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો છે. જેમાં વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરીએ તો ફેબ્રુઆરી 2025 થી જુલાઇ 2025 સુધી 84 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 

વર્ષ  2018 થી 2022 દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ  470 મૃત્યુ થયા

આ ઉપરાંત આંકડા મુજબ  વર્ષ  2018 થી 2022 દરમિયાન ગરમીના લીધે 3798 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં સૌથી વધુ મૃત્યુ  મહારાષ્ટ્ર અને બિહારમાં નોંધાયા હતા. ગૃહ મંત્રાલયના નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના ડેટા મુજબ  વર્ષ  2018 થી 2022ના સમયગાળા દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધુ  470 મૃત્યુ થયા હતા.

વર્ષ 2018  થી 2022 માં ગુજરાતમાં 83 લોકો જીવ ગુમાવ્યા

જ્યારે વર્ષ 2019 માં એક વર્ષમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો હતો. જેમાં 159 લોકો મૃત્યુ પામ્યા હતા. બિહાર બીજા ક્રમે છે જ્યાં પાંચ વર્ષના સમયગાળા દરમિયાન 467 લોકો મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2019 ના ઉનાળામાં સૌથી વધુ જાનહાનિ જોવા મળી હતી. જેમાં 215 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે વર્ષ 2018  થી 2022 માં ગુજરાતમાં 83 લોકો જીવ ગુમાવ્યા હતા.

હીટ વેવ મુદ્દે અલગ અલગ રાજ્યમાં માપદંડો અલગ

આ ઉપરાંત ભારતમાં હીટ વેવ મુદ્દે અલગ અલગ રાજ્યમાં માપદંડો અલગ છે. જેમાં મેદાની અને પહાડી વિસ્તારમાં તાપમાનની તીવ્રતા આધારે હીટ વેવ જાહેર કરવામાં આવે છે. જેમાં મેદાની વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચે છે ત્યારે  હીટ વેવ જાહેર કરવામાં આવે છે. 


હીટ વેવથી બચવા માટેના ઉપાયો : 

  • શરીરને હાઇડ્રેટેડ રાખો અને  તરસ ન લાગી હોય તો પણ પૂરતું પાણી પીવો. લીંબુ શરબત, છાશ, નારિયેળ પાણી, અને કાચી કેરીનું શરબત શરીરને ઠંડક આપે છે.
     
  • બપોરના સમયે બહાર નીકળવાનું ટાળો તેમજ  શક્ય હોય તો સવારે 11 થી સાંજના 4 વાગ્યા સુધી સીધા તડકામાં જવાનું ટાળો. 
     
  • ગરમીમાં  હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરો. બહાર નીકળતી વખતે ટોપી, છત્રી કે રૂમાલથી માથું ઢાંકો અને સનગ્લાસ (ચશ્મા) નો ઉપયોગ કરો.
     
  • ઉનાળામાં  દિવસ દરમિયાન બારી-બારણાં બંધ રાખો અને પડદા વાપરીને સૂર્યપ્રકાશને અંદર આવતો અટકાવો. રાત્રે તાજી હવા માટે બારીઓ ખોલો.
     
  • ઉનાળામાં  પૌષ્ટિક અને હળવો ખોરાક લો. તરબૂચ, કાકડી, દ્રાક્ષ જેવા પાણીની માત્રા વધુ હોય તેવા ફળો ખાઓ.