નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના કબજા વચ્ચે પણ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ નિયંત્રણમાં છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓઇલ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા અનુસાર સરકારી ઓઇલ કંપનીઓને દર મહિને અંદાજે 30,000 કરોડની અંડર રિકવરી થઇ રહી છે.એટલે કે કંપની મોંધા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. તેમજ ગ્રાહકોને સસ્તા ભાવે ઈંધણ પૂરું પાડે છે. જોકે, તેના પગલે ઈંધણના ભાવમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે.
કેન્દ્ર સરકારને માસિક 14,000 કરોડનું નુકસાન
આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 70 ડોલર થી વધીને લગભગ 120 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. જોકે, ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નથી કર્યો.તેમજ કેન્દ્ર સરકારે ઓઇલ કંપનીઓ પરનો બોજ ઓછો કરવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે. જેના પરિણામે સરકારને માસિક આશરે રૂપિયા 14,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
આ ઉપરાંત નિષ્ણાતો માને છે કે, મિડલ ઈસ્ટમાં યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં નોંધપાત્ર ફેરફાર થઇ રહ્યા છે. તેમજ જો આ સ્થિતી લાંબા સમય સુધી રહેશે તો ભારતમાં પણ ઈંધણના ભાવમાં વધારો થઇ શકે છે.
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી
જોકે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. આ ઉપરાંત બધી રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત છે અને ઇંધણનો પુરવઠો સામાન્ય રહે છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં લોકોને આશરે 97 લાખ એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. 5 કિલોના નાના સિલિન્ડરનું રેકોર્ડ વેચાણ નોંધાયું છે.
સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેખરેખ વધારી
આ ઉપરાંત કેન્દ્ર સરકારે ઇંધણ અને એલપીજીના સંગ્રહખોરી અને કાળાબજારને રોકવા માટે દેખરેખ વધારી છે. તાજેતરમાં 200 થી સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ ઘણા ગેસ વિતરકોને નોટિસ આપવામાં આવી છે અને કેટલાકને દંડ ફટકારવામાં આવ્યો હતો.તેમજ વિતરકને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.