નવી દિલ્હી: લાંબા અંતરનાં હથિયારો અને મિસાઇલો પર ધ્યાન ફોકસ કરી લીધા બાદ, હવે ભારતની સંરક્ષણ નીતિમાં એક મોટો અને મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) દ્વારા રૂપિયા 52000 કરોડની નવી સંરક્ષણ ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. અગાઉની ખરીદીઓમાં મોંઘા યુદ્ધ જહાજો અને લાંબા અંતરની મિસાઇલોને પ્રાધાન્ય અપાતું હતું, પરંતુ આ વખતે 100 કિલોમીટરની રેન્જ ધરાવતા શસ્ત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
સરકારના આ નવા બજેટ હેઠળ એન્ટી-ટેન્ક મિસાઈલ, શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ અને કામિકેઝ (Kamikaze) ડ્રોન જેવા આધુનિક શસ્ત્રો ખરીદવામાં આવશે, જેથી પડોશી દેશોની કોઈપણ નાપાક હરકતનો તાત્કાલિક અને જડબાતોડ જવાબ આપી શકાય.
ભારતના આ વ્યૂહાત્મક પરિવર્તન પાછળ 'ઓપરેશન સિંદૂર'ના અનુભવો ખૂબ જ મહત્ત્વના રહ્યા છે. પાકિસ્તાન સામેના આ ઓપરેશન બાદ સરહદી વિસ્તારોમાં ડ્રોન અને ફતેહ-2 બેલિસ્ટિક મિસાઈલ વડે હુમલાના પ્રયાસો થયા હતા. જોકે, ભારતીય સુરક્ષા દળોએ આદમપુર એરફોર્સ સ્ટેશન પર તૈનાત S-400 ડિફેન્સ સિસ્ટમ થકી આ મિસાઇલોને હવામાં જ નિષ્ફળ બનાવી દીધી હતી. આ ઘટના પરથી ભારતે સ્પષ્ટ પાઠ ભણ્યો છે કે ભવિષ્યના યુદ્ધોમાં દુશ્મન દેશ સીધી લડાઈ કરવાને બદલે નાગરિકો અને મહત્ત્વના સંસ્થાનોને નિશાન બનાવવા માટે શોર્ટ-રેન્જ મિસાઇલો અને ડ્રોનનો છૂપો ઉપયોગ કરશે.
આ ઉપરાંત, ભારતની આ સંરક્ષણ તૈયારીઓ પાછળ ટુ-ફ્રન્ટ વોર લડવાની સંભાવનાઓને પણ ગંભીરતાથી ધ્યાનમાં રાખવામાં આવી છે. ચીન અને પાકિસ્તાન બંને પરમાણુ શસ્ત્રોથી સજ્જ પડોશીઓ છે અને તેમની વચ્ચેની ગાઢ મિત્રતા ભારત માટે હંમેશા પડકારજનક રહી છે. ભવિષ્યમાં જો કોઈપણ એક દેશ સાથે તણાવ વધે, તો બીજા મોરચે પણ યુદ્ધની સ્થિતિ સર્જાવાનો ઇનકાર કરી શકાય નહીં. આ વાસ્તવિકતાને સ્વીકારીને, ભારત પોતાની સૈન્ય તાકાતમાં કોઈપણ સ્તરે નબળી કડી છોડવા માંગતું નથી, જેથી બંને દુશ્મનોનો એકસાથે સામનો કરી શકાય.
સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ શસ્ત્ર ખરીદીનો મુખ્ય ઉદ્દેશ્ય સેનાના ત્રણે દળની ઓપરેશનલ ક્ષમતાઓમાં ધરખમ વધારો કરવાનો છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે હવે પછીના યુદ્ધોના નિર્ણયો માત્ર લડાકુ વિમાનો કે પરંપરાગત શસ્ત્રોથી લેવાશે નહીં. ભવિષ્યની લડાઈઓમાં પ્રિસિઝન ગાઈડેડ મિસાઈલ, આધુનિક ડ્રોન, ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, સાયબર હુમલા અને સ્વચાલિત શસ્ત્રોનો ઉપયોગ નિર્ણાયક સાબિત થશે.