મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં રવિવારે ગણેશોત્સવની ખરીદી માટે મુંબઈ જવાનું પ્લાનિંગ કરી રહેલા લાખો પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. સબર્બન રેલવે ટ્રેકના સમારકામ, ઓવરહેડ વાયર મેન્ટેનન્સ અને સિગ્નલ સિસ્ટમ સંબંધિત ટેકનિકલ કામગીરી હાથ ધરવા માટે છઠ્ઠી સપ્ટેમ્બર, 2026ના રવિવારે મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવે એમ ત્રણેય રૂટ પર મેગાબ્લોક હાથ ધરવામાં આવશે. મેગાબ્લોકના કારણે અનેક લોકલ ટ્રેનો રદ રહેશે, જ્યારે કેટલીક સેવાઓને ફાસ્ટથી સ્લો અને સ્લોથી ફાસ્ટ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે.
મધ્ય રેલવે પર સીએસએમટીથી વિદ્યાવિહાર વચ્ચે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો લાઈન પર બ્લોક રહેશે. આ સમયગાળા દરમિયાન CSMT થી ઉપડતી ડાઉન સ્લો લોકલ ટ્રેનોને CSMT અને વિદ્યાવિહાર વચ્ચે ફાસ્ટ ટ્રેક પર ડાયવર્ટ કરવામાં આવશે. આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર રોકાશે અને ત્યારબાદ વિદ્યાવિહાર સ્ટેશનથી ફરી પોતાના નિયમિત સ્લો ટ્રેક પર દોડશે.
હાર્બર લાઈન પર સીએસએમટીથી ચૂનાભટ્ટી/બાંદ્રા વચ્ચે સવારે 11.10થી સાંજે 4.40 વાગ્યા સુધી અપ અને ડાઉન બંને લાઈન પર બ્લોક રહેશે. સીએસએમટી અને વડાલા રોડથી વાશી, બેલાપુર અને પનવેલ તરફ જતી ડાઉન હાર્બર સેવાઓ સંપૂર્ણપણે રદ રહેશે. પનવેલ, બેલાપુર અને વાશીથી CSMT તરફ આવતી અપ હાર્બર સેવાઓ બંધ રહેશે. જ્યારે બાંદ્રા અને ગોરેગાંવથી CSMT તરફ આવતી-જતી તમામ અપ-ડાઉન હાર્બર લાઈન ટ્રેનો રદ રહેશે.
પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે સવારે 10.35થી બપોરે 3.35 કલાક સુધી અપ અને ડાઉન ફાસ્ટ ટ્રેક પર બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે દોડતી તમામ ફાસ્ટ લોકલ સેવાઓને સ્લો ટ્રેક પર ચલાવવામાં આવશે. ચર્ચગેટ તરફ જતી કેટલીક લોકલ ટ્રેનોને બાંદ્રા અથવા દાદર સ્ટેશન સુધી જ સીમિત (શોર્ટ ટર્મિનેટ) કરાશે અને ત્યાંથી જ પરત રવાના કરવામાં આવશે.
મુસાફરો માટે રેલવેની ખાસ અપીલ:
ત્રણેય લાઈન પર એકસાથે મેગાબ્લોક હોવાથી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં મોડી દોડી શકે છે અને સ્ટેશનો પર મુસાફરોની ભીડ વધવાની શક્યતા છે. રેલવે પ્રશાસને મુસાફરોને ઘરેથી નીકળતાં પહેલાં ટ્રેનનું સ્ટેટસ ચેક કરી લેવા અને મુસાફરી માટે વધારાનો સમય હાથ પર રાખવા અપીલ કરી છે.