બુલંદશહેર : પશ્ચિમ બંગાળની ચૂંટણી પ્રચારમાં ચર્ચામાં આવેલા ટીએમસી નેતા અને સાંસદ સાયોની ઘોષ અંગે ભાજપ નેતાએ વિવાદિત ટિપ્પણી કરી છે. જેમાં ઉત્તર પ્રદેશના બુલંદશહેરની સિકંદરાબાદ નગરપાલિકાના અધ્યક્ષ અને ભાજપના નેતા ડો. પ્રદીપ દીક્ષિતે સાયોની ઘોષનું કપાયેલું માથું લાવશે તેને ₹1 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે.
નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ
આ અંગે મળતી વિગતો મુજબ એક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ દરમિયાન ડો. પ્રદીપ દીક્ષિતે કથિત રીતે કહ્યું હતું કે જે કોઈ સાયોની ઘોષનું કપાયેલું માથું લાવશે તેને ₹1 કરોડનું ઇનામ આપવામાં આવશે. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઇ રહ્યું છે. જેના કારણે રાજકીય પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
BJP Leader Pradeep Dixit
સાયોની ઘોષની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી દુઃખ
આ વાઇરલ વિડીયોમાં ડો. પ્રદીપ દીક્ષિત કહી રહ્યા છે કે, તે દરરોજ ભગવાન શિવની પૂજા કરે છે અને સાયોની ઘોષની જૂની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી તેમને ખૂબ દુઃખ થયું છે. આ નિવેદન સિકંદરાબાદમાં આયોજિત એક વિરોધ પ્રદર્શન દરમિયાન આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન હિન્દુ દેવતાઓના અપમાનના વિરોધમાં યોજવામાં આવ્યું હતું.
કોંગ્રેસના જિલ્લા પ્રમુખે નિવેદનને શરમજનક ગણાવ્યું
ભાજપ નેતાના આ નિવેદન પર બુલંદશહેર કોંગ્રેસ પ્રમુખ ઝિયાઉર રહેમાને જણાવ્યું હતું કે મહિલાની હત્યા માટે ઈનામની જાહેરાત કરવી એ ખૂબ જ શરમજનક છે. તેમણે માંગ કરી હતી કે પોલીસ આ કેસમાં એફઆઈઆર નોંધવી જોઇએ. તેમણે વધુમાં ટિપ્પણી કરી હતી કે જો આ પ્રકારના વ્યક્તિઓ રાજકીય પક્ષોમાં જ રહેશે તો મહિલાઓ કેવી રીતે સુરક્ષિત અનુભવ કરી શકશે.