નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ગ્રાહકો માટે સારા સમાચાર છે. જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર મૂકેલા કામચલાઉ પ્રતિબંધોને 1 જુલાઇથી દૂર કરવાની જાહેરાત કરી છે.
પ્રતિબંધ સંપૂર્ણપણે પાછો ખેંચી લેવામાં આવશે.
આ અંગે સરકારે આજે જાહેર કરેલા સત્તાવાર આદેશમાં જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર તાજેતરમાં લાદવામાં આવેલા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. આ આદેશ મુજબ 1 જુલાઈથી ઇંધણની ખરીદી અને વેચાણ પરનો પ્રતિબંધ સંપૂર્ણપણે પાછો ખેંચી લેવામાં આવશે.
ક્રૂડ ઓઇલ અને ગેસની અછત સર્જાઇ હતી
જેના પગલે 1 જુલાઈથી પેટ્રોલ પંપ અને રિટેલ સ્ટેશનો પર રાબેતા મુજબ જથ્થો મળશે. આ પૂર્વે મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના લીધે ક્રૂડ ઓઇલ અને ગેસની અછત સર્જાઇ હતી.
ઇંધણના વેચાણ પર કેટલાક કડક નિયંત્રણો મૂક્યા હતા
જેના પગલે કેન્દ્ર સરકારે આ મહિનાની શરૂઆતમાં ઇંધણના વેચાણ પર કેટલાક કડક નિયંત્રણો મૂક્યા હતા. હવે પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ સરકારે સોમવારે એક આદેશ જાહેર કરીને આ પ્રતિબંધો હટાવી લીધા છે.
કોમર્શિયલ ઇંધણ ખરીદનારાઓને અસર થઈ હતી
જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોથી મુખ્યત્વે કોમર્શિયલ ઉપયોગ માટે ઇંધણ ખરીદનારાઓને અસર થઈ હતી. આ પ્રતિબંધો હેઠળ, કોમર્શિયલ ખરીદદારોને પેટ્રોલ પંપ પરથી સીધા પેટ્રોલ અને ડીઝલ ખરીદવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સરકારે ડીઝલની દૈનિક ખરીદી પર મર્યાદા નક્કી કરી હતી
તેમજ સ્થાનિક ઇંધણની અછતને રોકવા માટે, સરકારે ડીઝલની દૈનિક ખરીદી પર મર્યાદા નક્કી કરી હતી. આનો અર્થ એ થયો કે કોઈપણ કોમર્શિયલ એકમ એક દિવસમાં નિર્ધારિત જથ્થા કરતાં વધુ ડીઝલ ખરીદી શકતી નથી.