Sun Apr 19 2026

Logo

‘ફાઈનલ મેચમાં અભિષેક શર્માને બહાર બેસાડો....’ સુનિલ ગાવસ્કરે આવી સલાહ કેમ આપી?

2026-03-08 10:01:00
Author: Savan Zalariya
Article Image

અમદાવાદ: ભારતીય ક્રિકેટ ટીમનો ઓપનર અભિષેક શર્માને હાલ ચાલી રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં તેની પ્રતિભા પ્રમાણે પ્રદર્શન નથી કરી શક્યો, ટુર્નામેન્ટમાં તેણે રમેલી છ મેચમાં તે માત્ર 89 રન જ બનાવી શકાયો છે. આજે ભારતીય ટીમ અમદાવાદનાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ મેચ રમવાની છે, એવામાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે સલાહ આપી છે કે અભિષેકને ટીમની બહાર કરવો જોઈએ.

નોંધનીય છે કે સતત ફ્લોપ રહેવા છતાં અભિષેકને ટીમમાં સ્થાન મળી રહ્યું છે, ટીમ મેનેજમેન્ટને આશા છે કે અભિષેક જરૂર પડ્યે નિર્ણાયક ઇનિંગ રમી શકે છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરનું માનવું છે કે ફાઈનલ મેચ માટે અભિષેકને ટીમમાં સ્થાન ન આપવું જોઈએ, કેમ કે તે તેણે અગાઉ કરેલો ભૂલોમાંથી શીખ્યો નથી અને દર વખતે એવી જ રીતે આઉટ થઇ રહ્યો છે.

બોલર્સ અભિષેકની નબળાઈ સમજી ગયા છે:
એક મીડિયા સંસ્થા સાથે વાત કરતા સુનિલ ગાવસ્કરે કહ્યું, "આ નિર્ણય કરવો ખૂબ જ મુશ્કેલ છે. અભિષેક શર્મા ICC T20 રેન્કિંગમાં નંબર 1 બેટર છે, પરંતુ આટલી વાર આઉટ થયા પછી પણ તે કંઈ શીખ્યો નથી. તે એ જ એરિયામાં પડતા બોલ પર આઉટ થઇ રહ્યો છે.”

ગાવસ્કરે કહ્યું, "બોલરો એ જ એરિયામાં બોલ ફેંકી રહ્યા છે અને તેને ભૂલ કરવા મજબૂર કરી રહ્યા છે. ચિંતા એ છે કે કાં તો તે હજુ સુધી એડજસ્ટ થયો નથી અથવા પોતાનો અભિગમ બદલી નથી શક્યો."

ગાવસ્કરે કહ્યું કે તેઓ અભિષેકની જગ્યાએ રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવાનું પસંદ કરશે અને ફાઇનલમાં સંજુ સેમસન સાથે ઇશાન કિશનને ઓપનીંગ કરાવી જોઈએ.

ચક્રવર્તી અંગે આવી સલાહ આપી:
ગાવસ્કરે વરુણ ચક્રવર્તીને બદલે કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરવાની સહાલ આપી. તેમણે કહ્યું કે, “વરુણમાં હાલ આત્મવિશ્વાસ નથી દેખાઈ રહ્યો, સુપર-8 સ્ટેજથી મજબૂત ટીમો સામે તેણે ઘણા રન આપ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બાઉન્ડ્રી મોટી છે, કુલદીપ યાદવ એક સારો વિકલ્પ હોઈ શકે છે.”