ગાંધીનગરઃ રાજ્ય સરકારે શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. આ નિર્ણયની વિગતો આપતાં કૃષિ અને સહકાર પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૪-૧૫ દરમિયાન ખાંડ મંડળીઓએ શેરડી પકવતા ખેડૂતોને ચૂકવેલા શેરડીના ભાવોને રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓને અંદાજિત રૂ. ૧,૫૦૦ કરોડનો મોટો આર્થિક ફાયદો થશે, જેનો સીધો લાભ બે લાખથી વધુ ખેડૂતોને થશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, દેશની ખાંડ મંડળીઓ સામાન્ય રીતે શેરડી પકવતા ખેડૂતોને ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવતા એફ.આર.પી. (ફેર એન્ડ રેમ્યુનરેટીવ પ્રાઈઝ) મુજબના ભાવો ચૂકવતી હોય છે. ગુજરાતની સહકારી ખાંડ મંડળીઓએ માત્ર ખાંડ જ નહીં, પરંતુ મોલાસીસ, ઇથેનોલ અને કો-જનરેશન દ્વારા વીજ ઉત્પાદન સહિતની વિવિધ બાય-પ્રોડક્ટ્સમાંથી પ્રાપ્ત થતી આવકનો મહત્તમ લાભ પણ ખેડૂતો સુધી પહોંચાડ્યો છે. જેના પરિણામે, ગુજરાતના શેરડી ઉત્પાદક ખેડૂતોને દેશના અન્ય રાજ્યોની સરખામણીએ હંમેશા વધુ ભાવો પ્રાપ્ત થયા છે.
સહકાર પ્રધાન વાઘાણીએ વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં ઇન્કમટેક્સ વિભાગે એફ.આર.પી.થી વધુ ચૂકવાયેલા ભાવોને નફો ગણીને ગુજરાતની વિવિધ ખાંડ સહકારી મંડળીઓને ટેક્સની ડિમાન્ડ નોટિસ પાઠવી હતી. વર્ષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૪-૧૫ ના સમયગાળાને લગતા જટિલ મુદ્દે રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ ઉપર અંદાજિત રૂ. ૧,૫૦૦ કરોડ જેટલો આર્થિક બોજો આવવાની સ્થિતિ સર્જાઈ હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ સહકાર મંત્રાલયની સ્થાપના કર્યા બાદ કેન્દ્રીય સહકાર પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય સહકાર મંત્રાલયના પ્રયાસોથી વર્ષ ૨૦૨૩માં ઇન્કમટેક્સ કાયદાની જોગવાઈઓમાં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો હતો. આ સુધારા મુજબ, રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા શેરડીના ભાવોને ઇન્કમટેક્સના હેતુ માટે માન્યતા આપવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવી હતી.
કેન્દ્રીય સહકાર મંત્રાલયે કરેલા આ સુધારાના અનુસંધાને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય કક્ષાએ ભલામણો કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ આપેલા અહેવાલ અને ભલામણોને હકારાત્મક પ્રતિસાદ આપતાં ગુજરાત સરકારે ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ ૨૦૦૭-૦૮ થી ૨૦૧૪-૧૫ દરમિયાન ખેડૂતોને ચૂકવાયેલા શેરડીના ભાવોને સત્તાવાર મંજૂરી આપવાનો ક્રાંતિકારી ખેડૂતલક્ષી નિર્ણય કર્યો હતો, તેમ જણાવ્યું હતું.
રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ હાલમાં બે લાખથી વધુ શેરડી ઉત્પાદક ખેડૂતોને સીધી ચુકવણી કરીને ખેડૂતોના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય સહકારી ક્ષેત્રના પાયાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.