Tue Apr 21 2026

Logo

ગ્લોબલ વોર્મિંગનું નવું કારણ 'યુદ્ધ'? મિડલ ઈસ્ટના સંઘર્ષથી હવા, પાણી અને જમીનમાં ભળ્યું ઝેર; જાણો દાયકાઓ સુધી રહેનારા ઊંડા જખમ વિશે...

2026-03-28 09:39:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં જ્યાં જુઓ ત્યાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલાં યુદ્ધની ચર્ચા થઈ રહી છે. કોઈ પણ યુદ્ધ ક્યારેય ફાયદાકારક હોઈ જ ના શકે અને યુદ્ધના અંતે તો નુકસાન જ થાય છે એ વાત તો આપણા શાસ્ત્રોમાં પણ જણાવાઈ છે, પછી એ આજના આધુનિક જમાનાનું યુદ્ધ હોય કે પ્રાચીન કાળમાં ખેલાયેલા પ્રાચીન યુદ્ધ હોય. કોઈ યુદ્ધ એ માત્ર માનવજાત કે અર્થતંત્ર માટે જ નહીં, પણ તે પ્રકૃતિના અસ્તિત્વ સામે પણ મોટો ખતરો ઉભો કરે છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની પર્યાવરણ પર જે ગંભીર અસરો પડી રહી છે, તેને સમજવી અત્યંત અનિવાર્ય છે. આજે આપણે આ સ્ટોરીમાં યુદ્ધની પર્યાવરણ પર થતી ગંભીર અસરો વિશે વિસ્તારથી ચર્ચા કરીશું... 

લશ્કરી ઓપરેશન્સ સંપૂર્ણપણે અશ્મિભૂત ઈંધણ (Fossil Fuels) પર નિર્ભર છે. ટેન્ક, ફાઈટર જેટ અને નૌકાદળના જહાજો દરરોજ લાખો લિટર ઈંધણ બાળે છે. એક અંદાજ મુજબ, એક ફાઈટર જેટનું સિંગલ મિશન હજારો કાર જેટલું કાર્બન ઉત્સર્જન કરે છે, જે સીધી રીતે ગ્લોબલ વોર્મિંગને વેગ આપે છે.

બોમ્બ વિસ્ફોટોથી સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા ઝેરી વાયુઓ વાતાવરણમાં ભળે છે. જ્યારે તેલના ડેપો કે રાસાયણિક પ્લાન્ટ્સ પર હુમલા થાય છે, ત્યારે તેમાંથી નીકળતું પ્રદૂષણ નદીઓ અને ભૂગર્ભ જળમાં ભળીને તેને વર્ષો સુધી બિનઉપયોગી બનાવી દે છે.

વાત કરીએ હાલમાં મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની તો આ યુદ્ધ દરમિયાન તેલના કુવાઓમાં લાગતી આગ મહિનાઓ સુધી બળે છે, જેનાથી નીકળતો કાળો ધુમાડો 'કાળો વરસાદ' લઈને આવે છે. આ સિવાય યુદ્ધના ભારે વાહનો અને લેન્ડમાઈન્સ જમીનની સંરચનાને કાયમી નુકસાન પહોંચાડે છે, જેનાથી ફળદ્રુપ જમીન બંજર બની જાય છે અને તેની લાંબી અસર જોવા મળે છે. 

યુદ્ધ દરમિયાન સતત થનારા ગોળીબાર અને બોમ્બમારાને કારણે જાન-માલનું નુકસાન તો થાય જ છે પણ એની સાથે સાથે જંગલો અને નેચરલ હેબિટેટ્સને પણ નુકસાન થાય છે. આ યુદ્ધને કારણે અનેક લુપ્ત થતી પ્રજાતિઓ કાં તો મૃત્યુ પામે છે અથવા સ્થળાંતર કરવા માટે મજબૂર બને છે, જે જૈવવિવિધતા માટે એક મોટો ફટકા સમાન છે.

આ ઉપરાંત યુદ્ધ પૂરું થાય એ પછી શહેરોમાં મોટા પાયે કાટમાળના પહાડો ખડકાય છે. આ કાટમાળમાં એસ્બેસ્ટોસ, ભારે ધાતુઓ અને હાનિકારક કેમિકલ્સ હોય છે. આ કચરાનો સુરક્ષિત નિકાલ કરવો એ આવનારી પેઢીઓ માટે એક મોટો પર્યાવરણીય પડકાર બની જાય છે.