અજય મોતીવાલા
મુંબઈઃ ભારતમાં `ક્રિકેટ વૉર' ચાલે છે ત્યારે મધ્ય પૂર્વના દેશો વચ્ચે મહાયુદ્ધ (War) ખેલાઈ રહ્યું છે જેની સીધી અસર ક્રિકેટરોની અવર-જવર પર પડી રહી છે. એટલું જ નહીં, હમણાં તો દુબઈ (Dubai) સૌથી વધુ ચર્ચામાં છે અને ત્યાં તેમ જ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના બીજા દેશોમાં આયોજિત આખેઆખી ક્રિકેટ મૅચ તથા સિરીઝ રદ થઈ રહી છે ત્યારે હવે યુદ્ધના કેન્દ્રસ્થાને રહેલા દુબઈમાં આગામી સિરીઝ રમાશે કે કેમ અને ખાસ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ને યુદ્ધનું ગ્રહણ નડશે કે કેમ એ સૌથી મોટા સવાલ છે.
સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે ઇઝરાયલ-અમેરિકાના ઇરાન પરના હુમલાને પગલે અખાતના દેશોમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એને લીધે યુએઇમાં ક્રિકેટમાં શું રદ થઈ ગયું છે, શું કૅન્સલ થઈ રહ્યું છે અને કોને-કોને અસર થઈ છે તેમ જ નજીકના ભવિષ્યમાં શું અવળી અસર થઈ શકેઃ (1) ઇંગ્લૅન્ડની નૅશનલ ક્રિકેટ ટીમ પછી બીજા નંબરે ગણાતી ઇંગ્લૅન્ડ લાયન્સ ટીમ અને પાકિસ્તાન શાહીન્સ ટીમ વચ્ચેની વાઇટ-બૉલ ક્રિકેટ સિરીઝની બાકીની મૅચો રદ કરાઈ છે. (2) શારજાહમાં અફઘાનિસ્તાન-શ્રીલંકા વચ્ચે 13-17 માર્ચ દરમ્યાન ટી-20 શ્રેણી અને 20-25 માર્ચ દરમ્યાન વન-ડે શ્રેણી રમાવાની હતી જેના પર કાળા વાદળો છવાઈ ગયા છે. (3) ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે આ અઠવાડિયે અબુ ધાબીમાં યોજાનારા ટ્રેઇનિંગ કૅમ્પ માટે પોતાની મહિલા ક્રિકેટરોને ન મોકલવાનો નિર્ણય લીધો છે. (4) ઝિમ્બાબ્વેના ક્રિકેટરો ગયા ગુરુવારે ચેન્નઈમાં ભારત સામેના પરાજય પછી ટૂર્નામેન્ટની બહાર થઈ ગયા એટલે તેમણે વહેલાસર ઘરભેગા થવું હતું, પરંતુ યુદ્ધને કારણે તેમણે ભારતમાં જ રોકાઈ રહેવું પડ્યું. રવિવારે કોલકાતામાં ભારત સામે વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ હારી ગયા હતા એટલે તેમણે પણ જમૈકા, બાર્બેડોઝ, સેન્ટ કિટ્સ વગેરે પોતપોતાના ટાપુ ભેગા થવું હતું, પરંતુ તેમણે પણ ભારતમાં પડાવ લંબાવવો પડ્યો છે. (5) 28મી માર્ચે આઇપીએલ-2026 શરૂ થશે અને એના આરંભના ઘણા દિવસો પહેલાં જ વિદેશી ખેલાડીઓએ ભારતમાં આવી જવું પડશે, પરંતુ તેઓ સમયસર આવી શકશે કે કેમ? તેમના વગર ભારતીય ફ્રૅન્ચાઇઝીઓને કેટલી વિપરીત અસર થશે એ બધા સવાલ અત્યારે ચર્ચામાં છે.
યુએઇના ઍર સ્પેસ બંધ કરી દેવામાં આવ્યા બાદ અને અસંખ્ય ફ્લાઇટો રદ થયા પછી સ્થિતિ થોડી હળવી થઈ છે, પરંતુ હજી ઘણા લોકો યુએઇમાં અટવાયા છે. યુદ્ધ કેટલા દિવસ ચાલશે એના પર બધો આધાર છે અને અટક્યા પછી પણ જો કોઈ છમકલા થશે તો હવાઈ મુસાફરીને અસર થશે કે કેમ બીજો પ્રશ્ન છે.
સૌથી મોટો મુદ્દો આઇપીએલનો છે. એક સમય હતો જ્યારે ભારતમાં કે અન્ય કોઈ દેશમાં સિરીઝ નહોતી યોજી શકાતી તો યુએઇના દેશો જ તારણહાર બનતા હતા. દુબઈ, શારજાહ, અબુ ધાબી તેમ જ ઓમાન વગેરેના નામ દરેક ક્રિકેટપ્રેમીઓના હૃદયમાં વસેલા છે. જોકે અત્યારે આ જ બધા દેશો પર વણનોતરેલા યુદ્ધમાં ફસાઈ ગયા છે. અમેરિકા સાથે મિત્રતા ધરાવતા મધ્ય પૂર્વના આ દેશો પરના ઇરાનના હુમલાઓને કારણે સ્થિતિ જટિલ અને ગંભીર થઈ ગઈ છે. સામાન્ય રીતે આઇપીએલના ખેલાડીઓ સમયાંતરે વિમાનીપ્રવાસમાં દુબઈ થઈને ભારત પહોંચતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અભૂતપૂર્વ છે એટલે કયા પ્લેયરને ભારત પહોંચવામાં કેવી તકલીફ થશે અને તેના ફ્રૅન્ચાઇઝીએ પણ કેટલું સહેવું પડશે એ તો આવનારો સમય જ બતાવશે.
આઇપીએલ ક્રિકેટ જગતની સૌથી લોકપ્રિય ટી-20 લીગ ટૂર્નામેન્ટ છે અને એનું ભાવિ અત્યારે અનિશ્ચિત છે. આ ટૂર્નામેન્ટ અગાઉ નક્કી થયા પ્રમાણે 26મી માર્ચે શરૂ થવાની હતી, પણ હવે 28મી માર્ચની તારીખ નિશ્ચિત કરાઈ છે અને ફાઇનલ 31મી મેએ રમાશે. પૂરું શેડ્યૂલ જાહેર નથી કરવામાં આવ્યું કારણકે ત્રણ રાજ્ય (પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ)ની ચૂંટણીની તારીખોને આધારે એને અંતિમ ઓપ આપવાનો છે. ચૂંટણીના ડિંડવાણાને કારણે સમયપત્રક જાહેર નથી કરી શકાયું ત્યાં હવે યુદ્ધનું ગ્રહણ લાગી ગયું. પરિસ્થિતિ જલદી શાંત પડી જશે અને ક્રિકેટની કવાયતો સમયપત્રક પ્રમાણે શરૂ કરી શકાશે એવી આશા રાખીએ.