Wed Sep 02 2026

Logo

વર્લ્ડ કપ ટ્રોફીની ત્રણ ટીમના ખેલાડીઓ હજી ભારતમાં જ, આઇસીસીએ ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરી

2026-03-07 16:56:29
Author: Ajay Motiwala
વર્લ્ડ કપ ટ્રોફીની ત્રણ ટીમના ખેલાડીઓ હજી ભારતમાં જ, આઇસીસીએ ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરી

નવી દિલ્હીઃ ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પરાજિત સાઉથ આફ્રિકાની ટીમ તેમ જ ભારત સામે છેલ્લી બે મૅચમાં હારનાર વેસ્ટ ઇન્ડિઝ તથા ઇંગ્લૅન્ડની ટીમના ખેલાડીઓ મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધને કારણે હજી ભારતમાં જ છે અને તેમને શનિવાર-રવિવારે ચાર્ટર ફ્લાઇટ (charter flight) દ્વારા સ્વદેશ પહોંચાડવાની આઇસીસીની યોજના છે.

ઇરાન સામેના અમેરિકા અને ઇઝરાયલના યુદ્ધને લીધે વિમાની મુસાફરી (Air Travel)ના રૂટમાં મોટા ફેરફાર થયા છે અને અનેક દેશોમાં ફ્લાઇટોના શેડ્યૂલ બદલવામાં આવ્યા છે. પીટીઆઇને એક આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળ્યું હતું કે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ગુરુવારે ભારત સામેની વાનખેડે સ્ટેડિયમ ખાતેની સેમિ ફાઇનલમાં હારી ગયા હતા, પરંતુ તેમને તરત જ સ્વદેશ પાછા નથી જવા મળ્યું. શનિવાર, સાતમી માર્ચે તેમને સીધા લંડન પહોંચાડવા માટે ચાર્ટર ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકાના ક્રિકેટરોને એક સાથે કોલકાતા ખાતેથી ચાર્ટર ફ્લાઇટમાં સ્વદેશમાં પાછા મોકલવાની યોજના વિચારવામાં આવી હતી. આ ફ્લાઇટ પહેલાં જોહનિસબર્ગ પહોંચશે અને ત્યાર પછી વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓને ઍન્ટિગા પહોંચાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાઉથ આફ્રિકાના અમુક ખેલાડીઓ (કેશવ મહારાજ, જેસન સ્મિથ અને જ્યોર્જ લિન્ડે) ન્યૂ ઝીલૅન્ડ જશે જ્યાં રવિવાર, 15મી માર્ચે ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થશે.