માવજી મહેશ્વરી
"Vikrant Pipes Wel Comes you' લખેલું એક બેનર હોટેલના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ લગાવેલું હતું. દેશમાં ફેલાયેલા તેના યુનિટ્સમાં કામ કરતા ઈજનેરો માટે વિક્રાંત પાઈપ્સ કંપની દર વર્ષે એક સેમિનાર કરતી. જ્યાં કંપનીના સંચાલકો સહિતના અગત્યના લોકો આવતા. આમ તો આ સેમિનાર એટલે કંપનીના ખર્ચે એક ટુર થઈ જતી. અહીં આવનારા મોજ મજા માટે જ આવતા.
કચ્છમાં કાર્યરત વિક્રાંત પાઈપ્સ યુનિટના હેડ. અશરફ અંસારીએ સિનીયરોને નારાજ કરીને પણ સનતને તક આપી હતી. વિધિવત રીતે કાર્યક્રમ અઢી વાગે શરૂ થવાનો હતો. દરેકને સ્વતંત્ર રૂમ ફાળવાયેલો હતો. બરાબર બાર વાગે પહોંચેલા સનતને ખાસ ઊભા કરાયેલા કાઉન્ટર પર જ બધી વિગત મળી ગઈ. તેના માટે 305 નંબરનો રૂમ ફાળવાયેલો હતો. અહીં ખાસ કંઈ કરવાનું નહોતું. બસ થોડા ભાષણો સાંભળવાના હતા, એકાદ ડોક્યુમેન્ટરી જોવાની હતી. એટલે મોજ કરવા સિવાય કશું જ નહોતું. પણ સનતના બારે વહાણ ડૂબેલાં હતાં.
રસ્તામાં જ્યારથી ટેક્સિવાળાએ કહ્યું કે, રેલવે સ્ટેશન પર પોલીસ ફોર્સ કોઈ આતંકવાદી છોકરીને શોધી રહી છે. ત્યારથી સનતના ચહેરા પરથી નૂર ઊડી ગયું હતું. તેણે પોતાના રૂમમાં આવીને કંઈ કર્યા વગર બેડ પર લંબાવી દીધું હતું. આખી રાતનો ઉજાગરો હતો. તેમાંય તેણે જે દોઢ ડહાપણ કરેલું તેના પર વારેઘડીએ પસ્તાવો થઈ રહ્યો હતો. તેણે કેટલાય સવળા વિચાર કરી જોયા. પણ મન કોઈ આશ્વાસન સ્વીકારતું નહોતું. સોનલની ઊભા રહેવાની અદા, તેના કપડાં, તેની વાત કરવાની સ્ટાઈલ, તેનું ટિકિટ વગર ટ્રેનમાં ચડવું. આ બધું કશું સામાન્ય ન હતું. કેટલી બિન્દાસ હતી.
સારા ઘરની છોકરીમાં આવી હિંમત જ ન હોય. વળી તેણે પોતાના નંબર શા માટે ન આપ્યા? આ વિચાર ત્યારે જ આવવો જોઈતો હતો. તેણે જે પાસપોર્ટ બતાવ્યો એમાં સોનલ મોહનલાલ ઝવેરી જરૂર લખેલું હતું. પણ પાસપોર્ટ તો નકલી પણ હોઈ શકે. પોતાનો એક લોભ કદાચ હવે આખી જિંદગીની પીડા બની રહેવાનો છે. જો તે પકડાઈ ગઈ અને મારું પણ નામ આપી દેશે તો શું થશે? અધૂરામાં પૂરું એની બેગ મને પકડાવી ગઈ. જરૂર એમાં કોઈ જોખમી ચીજ હોવી જોઈએ.
શું કરું? બેગ ખોલીને જોઈ લઉં કે દૂર ક્યાંક ફેંકી આવું? પણ પેલા ડ્રાઈવરની વાત સાચી જ છે એની ખાતરી કેમ કરવી? સોનલ આતંકવાદી ન પણ હોય. તેણે કહ્યું એમ તે ખરેખર ઘરથી ભાગી નીકળી હોય. એ અહીં આવી પહોંચે તો એને શું કહેવું? મન કોઈ એક વાત પર સ્થિર થતું ન હતું. પોતે જરૂર કોઈ ભયંકર કાવતરામાં ફસાઈ ગયો છે એવું તેણે માની લીધું. પ્રતિપળે તેને પોલીસ આવી પહોંચ્યાના ભણકારા વાગવા માંડ્યા.
તેને કાઉન્ટર પરથી સેમિનારનો શેડ્યુઅલ ચાર્ટ મળ્યો તેમાં જમવાનો સમય એક અને બે વચ્ચેનો બતાવેલો હતો. પણ સનતની ભૂખ જ મરી પરવારી હતી. તેણે બેડ પર પડ્યા પડ્યા કપાળ ચપટીમાં પકડી લીધું. મગજમાં શૂન્યાવકાશ થઈ ગયો હતો. કેમેય કોઈ સારો વિચાર આવતો નહોતો. તેને પોતાના સરળ માબાપ યાદ આવી ગયા. તેને થયું. પોતાની મા જ્યારે પણ ફોન કરે એક વાત જરૂર કહેતી. બેટા, લગ્ન કરી લે. પણ દરેક વખતે તે હસીને ગોળ ગોળ જવાબ આપી દેતો.
રાતે સોનલને જોઈને જસ્ટ ટાઈમ પાસ કરવાનો વિચાર આવ્યો અને એ ખુરાંટ છોકરીએ તેને આબાદ ફસાવી લીધો. હવે આ વાત અહીં કરવી તો કોને કરવી. તેને એવોય વિચાર આવ્યો કે, નજીકના કોઈ પોલીસ સ્ટેશને જઈને આખીય વાત કહી દેવી. પોતે કોણ છે અને શા માટે આવ્યો છે તે વિશે પોલીસને કોઈ પુરાવા આપવાની જરૂર નહીં પડે. પણ તેમ કર્યા પછી પોલીસ અહીં આવ્યા વગર ન રહે. અહીં તો કંપનીના માલિકો અને એમ ડી સુધ્ધાં આવવાના છે. જો એમને મારા પરાક્રમની ખબર પડે તો એ પાછો કચ્છ જવાને બદલે ઘરે જ મોકલી દે.
સનત ખરો મુંઝાયો હતો. વિચારોના ઘોડા બે લગામ દોડતા હતા. ઘડિયાળનો કાંટો આગળ સરતો હતો. તેણે મનોમન પોતાના ઈશ્વરને યાદ કર્યો અને જે થાય તે જોઈ લેવાશે. એમ માની પોતાની બેગ ખોલી. સોનલની બેગ જોઈ તેને ફરી એ બેગ ખોલી જોઈ લેવાની ઈચ્છા થઈ. એવુંય થયું કે, જોઈ લેવામાં શું વાંધો છે અને જો કાંઈ વાંધા જનક નીકળ્યું તો? સનત ધ્રૂજી ગયો. તેણે ઘડીભર આંખો મીંચી લીધી. તીર છૂટી ચુક્યા છે સનત. હવે જે નક્કી કરશે તે પેલી સોનલ કરશે. તું તારું કામ કર. તું જો તો ખરો કે સાંજ સુધીમાં શું થાય છે.
સોનલ આતંકવાદી હોય કે ન હોય. તું ક્યાં આતંકવાદી છો? સનતની હિંમત પાછી વળી. તેણે બેગમાંથી કપડા કાઢી બેડ પર મૂક્યા. હોટેલ તરફથી એક ટુવાલ સાબુ અને નેપ્કિન અગાઉથી જ બેડ પર મુકેલા હતા. તેણે ટુવાલ ઉપાડ્યો અને બાથરૂમ ખોલ્યો અને શાવર ચાલુ કર્યું. ઠંડા પાણીની ધારાઓથી તેના મનનો પરિતાપ થોડો શમ્યો. તે નિરાંતે નહાયો અને તૈયાર થઈ જમવા માટે ડાઈનિંગ હોલમાં ગયો ત્યારે કેટલાક લોકો તેને જુદી રીતે જોઈ રહ્યા. જોકે અહીં દરેકે પોતાનું આઈડેન્ટિટી કાર્ડ ભરાવી રાખવું ફરજિયાત હતું, ચાલીસી પાર કરી ગયેલો એક જણ સનતનું કાર્ડ વાંચી જરા નેણ ઊંચા કરીને બોલ્યો. ‘ઓહો ફ્રોમ કચ્છ. ભૈયા આપકે કચ્છ કા નામ આજકલ બહોત ચર્ચા મેં હૈ.’
‘હાં અર્થક્વેક કે બાદ વહાં પર બહોત સારી ઈન્ડસ્ટ્રિયાં લગી હૈ. ઔર હમારી કંપની કા યુનિટ ભી કાફી કામ કર રહા હૈ.’
‘કાફી નહીં, સબસે જ્યાદા. પર આપકી ઉંમર જ્યાદા નહીં લગતી. વૈસે કિતને સાલોં સે વહાં પર હો?’
‘મૈં ફ્રેશ હું સર. મુઝે તીન સાલ હી હુએ હૈં.’
‘નસીબવાલે હો. દો સાલોમેં હી યહાં આ ગયે હો.’
સનતે થોડી હળવાશ અનુભવી. ડાઈનિંગ હોલમાં કેટલાક લોકો સાથે વાતો થઈ. થોડો અજંપો દૂર થયો, સોનલના વિચારો હવે એટલા ડરાવતા ન હતા. હોટેલ સિલ્વર લાઈનના બેઝમેન્ટ હોલમાં જાણે કોઈ પ્રદર્શન યોજાયું હોય તેમ જાત જાતના ફ્લેક્સ બેનર ટીંગાડેલા હતા. હોલ ખાસ્સો એવો મોટો હતો. એ મોટાભાગે આવી કોન્ફરન્સ માટે જ વપરાતો. સ્ટેજની બરાબર પાછળ મોટા અક્ષરે કંપનીનું નામ સ્લોગન અને લોગો ચિતરેલો હતો. સ્ટેજની સામે દસેક ખુરશીઓ મૂકેલી હતી.
બરબર સવા બે વાગે હોલની મોટાભાગની ખુરશીઓ ભરાઈ ગઈ. રાતભરનો ઉજાગરો, ભરપેટ ખાવાનું અને એ.સી. હોલની ઠંડકને કારણે સનતની આંખ ઘેરાતી હતી. તે સોનલ અને ઊંઘને ભૂલવા ખાસ્સી મથામણ કરતો હતો તોય એ બેય પ્રવેશી જતી હતી. બરાબર અઢી વાગે વિક્રાંત પાઈપ્સના માલિક અભિજીત બિન્દ્રા ટોચના અધિકારીઓ સાથે હોલમાં પ્રવેશ્યા.
તેમના આવવાની સાથે જ હોલમાં તાળીઓ ગુંજી ઊઠી. હોલમાં સંચાલિકા સહિત ચાર સ્ત્રી હતી. જેમાં બાકીની ત્રણ કોઈ વહીવટી વિભાગમાં કામ કરતી હોય તેવી દેખાતી હતી. કાર્યક્રમની શરૂઆતે કંપનીએ દેશમાં કામ કરતા પોતાના જુદા જુદા યુનિટ્સ પર બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવી. સનતને પોતાના યુનિટના દૃશ્યો જોતી વખતે થોડો રોમાંચ થયેલો.
સનતને પોતાની સ્થિતિ કોઈની નજરે ન ચડે તેની ચિંતા હતી. તેણે પોતાના મનને સજાગ કર્યું. પણ અચાનક સ્પીકરમાંથી મેગ્નિફાય થયેલા સંચાલિકાના શબ્દોએ સનતની ઊંઘ ઉડાવી દીધી. ‘હમારે જનરલ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન અરોરા સા’બકે સન્માન કે લિયે મૈં આમંત્રિત કરતી હું હમારે કચ્છ યુનિટ સે આયે હુએ મિસ્ટર સનત ચૌહાણ કો. વે વહાં પર જુનિયર ઈજનેર કે રૂપમેં કાર્ય કર રહેં હૈ. મૈં દેખ રહી હું કી યહાં વે સબસે કમ ઉમ્રકે હૈં.’
પોતાનું નામ સાંભળી સનતે સુખદ આંચકો અનુભવ્યો. આવું કેમ થયું તે વિચારવાનો તેની પાસે સમય નહોતો. સનતે સ્ટેજ પર જઈ હસીને ગુલદસ્તો અરોરાને આપ્યો અને પીઠ ફેરવી ત્યાં જ કંપનીના માલિક અભિજીતે કહ્યું, ‘જસ્ટ અ મિનિટ પ્લીઝ.’
‘યસ સર’ કહીને સનત અભિજીત બિન્દ્રા સામે ઊભો રહ્યો. વિક્રાંત પાઈપ્સના માલિકે અભિજીત શેક હેન્ડ કરવા હાથ લાંબો કરતા કહ્યું, ‘કચ્છ સે આયે હો? સબ ઠીકઠાક ચલ રહા હૈ? કોઈ તકલીફ નહીં હૈ ન?’
સનતના પગ પાણી પાણી થઈ રહ્યા હતા પોતાના જેવા સેંકડો ઈજનેરો જ્યાં કામ કરે છે, જેમની પાસે કોઈની સાથે વાત કરવાનો ભાગ્યે જ સમય હોય એવા કંપનીના માલિકે સામેથી પોતાની સાથે વાત કરી, ‘જી નહીં સર. કોઈ તકલીફ નહીં હૈ’ પણ સનતનું આશ્ચર્ય શમે તે પહેલા જુદી ઘટના બની. વ્યવસ્થા સંભાળતા એક કર્મચારીએ નાની એવી ચીઠ્ઠી સંચાલિકાને આપી. સંચાલિકાએ વાંચીને એ ચિઠ્ઠી અભિજીત બિન્દ્રા પાસે પહોંચાડી. તેમણે આંખોના ઈશારાથી કશીક બાબત માટે હા પાડી.
સંચાલિકાના હોઠ મલકી રહ્યા. તેણે પોતાની આગવી સ્ટાઈલમાં કહ્યું. ‘મુઝે કહતે હુએ ખુશી હો રહી હૈ કી મિસ્ટર સનત ચૌહાણ કી અભી અભી શાદી હુઈ હૈ ઔર ઉનકી ધર્મપત્ની ભી ઉનકે સાથ આઈ હૈ. હાં પર ઉન્હોંને અંદર બૈઠને કી અનુમતિ માગી હૈ. વેલ કમ મિસિસ ચૌહાણ પ્લીઝ વેલ કમ’ હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. કોઈ યુવાન વાઘણ ધીમા ડગલે ચાલતી હોય તેમ અંદર પ્રવેશેલી સોનલ ઝવેરીએ દૂરથી જ સ્ટેજ પર બેઠેલા સામે હાથ જોડ્યા. પેન્ટ અને ટી શર્ટમાં સજ્જ સોનલને આખો હોલ બે ઘડી જોઈ જ રહ્યો. કેટલાક નિસાસો નાખીને મનોમન બોલ્યા, આ છોકરાની શું કિસ્મત છે.
બધું શું થઈ રહ્યું છે તે ન સમજી શકેલા સનતને આંખે અંધારા આવવા લાગ્યા. તેણે પોતાની સીટ સજ્જડ પકડી લીધી. તેને એકાએક ટેક્સિ ડ્રાઈવરની વાત યાદ આવી. તેના શરીરમાં ભયની કંપારી ફરી વળી. (ક્રમશ:)