ગાંધીનગર: ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો પ્રશ્ન આજે ગુજરાત વિધાનસભામાં ગાજ્યો હતો. સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે રાજ્ય સરકારે ઓક્ટોબર 2025માં જાહેર કરેલા કૃષિ રાહત પેકેજનો પ્રશ્ન પૂછ્યો હતો.
ગૃહમાં હર્ષદભાઈ પટેલે શું પૂછ્યું
અમદાવાદના સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલે પૂછ્યું, ઓક્ટોબર 2025માં રાજ્ય સરકારે ખેડૂતોને મદદરૂપ થવા કોઈ પાક નુકસાની સહાય ચૂકવવા જાહેર કરેલા કૃષિ રાહત પેકેજના શું ધોરણો છે અને તે અંતર્ગત રાજ્યમાં 31-12-2025ની સ્થિતિએ કેટલા ખેડૂતોને કેટલી સહાય ચૂકવવામાં આવી?
તેમના પ્રશ્નનો જવાબ આપતાં કૃષિ પ્રધાને જણાવ્યું, તમામ પાકોમાં કે જેમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય તેના માટે રૂ. 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવી છે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાની રમક 5000 કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા રૂ. 5000 ચૂકવવામાં આવ્યા છે.
કૃષિ રાહત પેકેજ અંતર્ગત રાજ્યમાં 31-12-2025ની સ્થિતિએ 27,99,927 ખેડૂતોને રૂ. 8023.29 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2025માં રાજ્ય સરકારે કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન માટે 10 હજાર કરોડનું સહા.ય પેકેજ જાહેર કર્યું હતું. પ્રતિ હેક્ટર 22 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી હતી.