નીલા સંઘવી
લક્ષ્મી તો ઘણાને વરેલી હોય છે, પણ કેટલાકના હાથમાંથી પૈસા છૂટતા જ નથી. ન તો પોતાની માટે વાપરી શકે છે કે ન કોઈ સદ્કાર્યમાં વાપરી શકે છે. જયારે કેટલાક લોકો એવા હોય છે જે પોતાનું ધન સ્વઅર્થે જ ખર્ચે છે. બીજાની માટે પાંચ પૈસા પણ વાપરવા તૈયાર નથી હોતા. કોઈ સદ્કાર્ય માટે પણ મદદનો હાથ લંબાવતા નથી. જ્યારે કેટલાક એવા લોકો હોય છે જે હંમેશાં મદદનો હાથ લંબાવવા તૈયાર હોય છે. હંમેશાં સદ્કાર્ય માટે રેડી હોય છે. જરૂરિયાતમંદને સહાય કરવામાં ક્યારેય પાછી પાની નથી કરતા. જે લોકો લક્ષ્મીનો ઉપયોગ સદ્કાર્યમાં કરે છે તેમની લક્ષ્મી મહાલક્ષ્મી બની જાય છે.
આજે એવી જ એક વ્યક્તિ વિશે વાત કરવી છે. આપણે એમને પ્રીતિબહેન કહીશું, પ્રીતિબહેનની ઉંમર હશે 65થી 70 વચ્ચેની. પ્રીતિબહેન હંમેશાં અપ-ટુ-ડેટ હોય. તેમનું ડ્રેસિંગ-સેન્સ ગજબનું છે. વ્યવસ્થિત રહેણીકરણીને લીધે તમે તેમની ઉંમરનું અનુમાન લગાવી શકો નહીં. તેથી જ 65થી 70 વચ્ચેની તેમની વય હશે તેમ લખ્યું છે.
ગુજરાતના ગામમાં જ પ્રીતિબહેનનો ઉછેર અને ભણતર થયાં. જોકે થોડા સમય પછી તે ગુજરાતના શહેરમાં વસી ગયાં હતાં તેથી કૉલેજનું શિક્ષણ પણ ગુજરાતના શહેરમાં થયું.પ્રીતિબહેનને ભણવાનો, અધ્યયનનો, નવું શીખવાનો બહુ જ શોખ. તેમને નાનપણથી જ્યોતિષવિદ્યાનો શોખ હતો. જોકે તે શીખી ન શક્યાં. લગ્ન પછી મુંબઈ સ્થાયી થયાં. પતિની કમાણી ઠીકઠાક હતી, પણ મુંબઈના ખર્ચા જાલીમ એટલે ‘મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી’ એ કહેવત પ્રીતિબહેનના જીવનમાં પણ યથાર્થ જ ઠરી. કાંઈ બચત હાથમાં રહેતી ન હતી.
પ્રીતિબહેને વિચાર્યું કે એકલો પતિ બિચારો કેટલું કરે? મારે પણ કાંઈક કરવું જોઈએ. આમ પણ પ્રીતિીબહેન નાનપણથી જ ઉધમી. સમય જતાં દીકરાનો જન્મ થયો. ખર્ચ વધ્યો.હવે તો કાંઈક કરવું જ પડશે એવા નિશ્ર્ચય સાથે પ્રીતિબહેને ઘેર બેસીને જ સાડીઓ વેચવાનું કામ શરૂ કર્યું. કામ સારું ચાલ્યું. દીકરો મોટો થયો હતો. બાઈ પાસે રાખીને બહાર નીકળી શકાય એમ હતું.
એવામાં એક દિવસ પ્રીતિબહેનની નજર અખબારમાં પ્રકાશિત થયેલી એક જાહેરખબર હતી. વળી શીખવવાની કોઈ ફી પણ આપવાની ન હતી. નિ:શુલ્ક જ્યોતિષ વિદ્યા શીખવવાનાં હતાં. નાનપણમાં જ્યોતિષ વિદ્યા શીખી શક્યાં ન હતાં તે આ જાહેરખબર જોઈને શીખી લેવા માટે કટિબદ્ધ થયાં.
સાડીનો બિઝનેસ સંભાળે, દીકરાને સંભાળે અને અઠવાડિયામાં 3 દિવસ ક્લાસમાં જાય. ક્લાસમાં વધુ ધ્યાન દઈને સાંભળે, સમજે પણ જ્યોતિષ બહુ જ ગહન અને વિસ્તૃત વિષય છે, ક્લાસમાં જે શીખવ્યું હોય તેય ઘેર આવીને ફરી વાંચે નહીં, તેનું અધ્યયન કરે નહીં તો ભૂલી જવાય.
પ્રીતિબહેનનું મગજ તો પહેલેથી જ શાર્પ. ઘરે રાતે મોડે સુધી જાગીને પોતાનો અભ્યાસ કરી લે. આમ શીખતાં શીખતાં પ્રીતિબહેન તો જ્યોતિષાચાર્ય બની ગયાં. એવામાં પતિ ગંભીર માંદગીમાં પટકાયા. તેમની સેવા-સુશ્રુષા, સાડીનો વ્યવસાય અને દીકરાની સાર-સંભાળમાં જ્યોતિષ ભુલાઇ ગયું. કાળને કરવું ને એમના પતિ ગંભીર બીમારીમાંથી બચ્યા નહીં. હવે દીકરો પણ કૉલેજમાં જતો હતો. પતિ રહ્યા નહીં, હવે પ્રીતિબહેન પાસે સારો એવો સમય હતો. માળિયા પર ચઢાવી દીધેલાં જ્યોતિષનાં પુસ્તકો ઉતાર્યાં. ફરી અધ્યયન શરૂ કર્યું. જ્યાં અટકે ત્યાં ગુરુઓની સલાહ લે. આમ જ્યોતિષ વિદ્યામાં તે પારંગત થઈ ગયાં. તેમણે જ્યોતિષ જોવાનું ચાલુ કર્યું.
શરૂઆતમાં ઓળખીતા-પાળખીતાના હાથ અને કુંડળી જોતા. તેમનો વર્તારો સાચો પડવા લાગ્યો. તેમણે આ વિદ્યાને વ્યવસાય તરીકે સ્વીકારી. પછી તો નામ થઈ ગયું. કેટલીયે નામાંક્તિ વ્યક્તિઓએ કોઈ કામ કરવા પહેલાં કે બીજી કોઈ મૂંઝવણ હોય ત્યારે તેમની સલાહ લેવા માંડી. સારું કમાવા લાગ્યાં, પણ કમાઈને તિજોરીમાં ભેગું કરવાના મતના નથી પ્રીતિબહેન. તે માને છે કે હું સમાજ પાસેથી ઘણું પામી છું. તો સમાજને પરત કરવાની પણ મારી ફરજ છે.
સમાજે ધન સાથે માન-સન્માન આપ્યું. આજે પ્રીતિબહેન સામાજિક સંસ્થાઓમાં મેડિકલ માટે, શિક્ષણ માટે પોતાનાથી બનતી મદદ કરે છે. કેટલીક સંસ્થાઓ જે મહિલાઓ અને સિનિયર સિટિઝનના મનોરંજન અર્થે સ્થપાઈ હોય તેવી સંસ્થાઓમાં પણ પોતાનું યોગદાન આપતાં રહે છે. નવા કલાકારોને પ્રોત્સાહન પણ આપતાં રહે. સારું વાંચન હોવાથી લખે પણ છે. તેમણે જ્યોતિષના વ્યવસાય સાથે સમાજસેવા પણ સ્વીકારી લીધી છે. આખો દિવસ વ્યસ્ત રહે છતાં હસતાં ને હસતાં જ હોય.
પ્રીતિબહેનને જોઈને થાય કે દરેક વૃદ્ધ વ્યક્તિએ આવું જીવન જીવવું જોઈએ ખાસ કરીને સ્ત્રીઓએ પતિના અવસાન બાદ પોતાની જાતને કોચલામાં પૂરી દઈને કે પછી સંતાનોના ઓશિયાળા થઈને જીવવાને બદલે માથું ઊંચું રાખીને આત્મવિશ્વાસથી, આત્મ-સમ્માન જાળવીને જીવવાની પરિસ્થિતિ શ્રેષ્ઠ પરિસ્થિતિ ગણાય ખરુંને?