Fri Jun 19 2026

Logo

યજમાન શ્રીલંકા આજે હારશે તો સેમિ ફાઇનલની રેસની બહાર

Colombo   2026-02-25 12:01:00
Author: Ajay Motiwala
Article Image

ન્યૂ ઝીલૅન્ડ સામે સાંજે 7:00 વાગ્યાથી જંગ

કોલંબો: ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ રાઉન્ડમાં ન્યૂ ઝીલૅન્ડ (New Zealand)ની ટીમ સાત દિવસના આરામ બાદ આજે (સાંજે 7.00 વાગ્યાથી) અહીં શ્રીલંકા (SriLanka) સામે અત્યંત મહત્વની મૅચ રમશે, જ્યારે સહ-યજમાન શ્રીલંકા રવિવારે ઇંગ્લૅન્ડ સામે હાર્યા બાદ હવે આજે કિવીઓ સામે ગમેએમ કરીને જીતવાની દ્રઢતા સાથે મેદાન પર ઊતરશે, કારણકે આજે પણ શ્રીલંકા હારી જશે તો સેમિ ફાઇનલ (semi final)ની રેસની બહાર થઈ જશે.

જો આજે ન્યૂ ઝીલૅન્ડ હારી જશે તો સેમિની રેસ વધુ ઉગ્ર બનશે કારણકે આ ગ્રૂપમાંથી ઇંગ્લૅન્ડ સેમિમાં પહોંચી ગયું છે એટલે બીજા દાવેદાર તરીકે ન્યૂ ઝીલૅન્ડ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે હરીફાઈ થશે.

ઇંગ્લૅન્ડ સામે રકાસ થયેલો

શ્રીલંકાને સેમિ ફાઇનલની દોડમાં ટકાવી રાખવા માટે આજે ટીમના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની ખાસ જરૂર છે. ખાસ કરીને દાસુન શનાકાની ટીમે બૅટિંગ સુધારવા પર ખાસ ધ્યાન આપવું પડશે. રવિવારે ઇંગ્લૅન્ડ સામે તેઓ માત્ર 147 રનના લક્ષ્યાંક સામે 95 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા હતા.

બૅટિંગ હિટ તો વિજય નક્કી

શ્રીલંકાએ બૅટિંગના જોર પર જ લીગ રાઉન્ડની શરૂઆતમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું અને ઓમાન સામે પાંચ વિકેટે 225 રન કર્યા બાદ એને 105 રનના માર્જિનથી હરાવ્યું હતું.

ભારતનો વિક્રમ રાઠોર શ્રીલંકાનો બૅટિંગ-કોચ છે

થોડા સમય પહેલાં જ ભારતીય ટીમને બૅટિંગનું કોચિંગ આપી ચૂકેલો ભૂતપૂર્વ ક્રિકેટર વિક્રમ રાઠોર હાલમાં શ્રીલંકાની ટીમનો બૅટિંગ-કોચ છે. શ્રીલંકા પાસે આ વર્લ્ડ કપના સેન્ચુરિયન પથુમ નિસાન્કા ઉપરાંત કુસાલ મેન્ડિસ, કુસાલ પરેરા, પવન રત્નાયકે, કામિન્ડુ મેંડીસ, દાસુન શનાકા જેવા જાણીતા બૅટ્સમેનો છે. જોકે તેમણે ન્યૂ ઝીલૅન્ડની અસરદાર બોલિંગ લાઈન અપનો સામનો કરવો પડશે.

કિવીઓની બોલિંગ દમદાર

ન્યૂ ઝીલૅન્ડની ટીમ દમદાર બોલિંગ માટે જાણીતી છે અને એના બોલર્સમાં માર્ક ચેપમૅન, લૉકી ફર્ગ્યુસન, કેપ્ટન મિચલ સેન્ટનર, ઈશ સોઢી, મૅટ હેન્રી, રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સનો સમાવેશ છે.

હેડ-ટુ-હેડમાં ન્યૂ ઝીલૅન્ડ આગળ

ન્યૂ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 28 ટી-20 મૅચ રમાઈ છે જેમાંથી 16 ન્યૂ ઝીલૅન્ડે અને 11 શ્રીલંકાએ જીતી છે. એક મૅચ અનિર્ણીત રહી છે.