નવી દિલ્હી : લોકસભામાં નક્સલમુક્ત ભારત અભિયાન પર ચાલી રહેલી ચર્ચા પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જવાબ આપ્યો હતો. તેમણે કેન્દ્ર સરકારના નક્સલમુક્ત અભિયાનને સફળ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે નકસલમુક્ત ભારતના લક્ષ્યને હાંસલ કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2026 છે. તેમણે આ મુદ્દે કોંગ્રેસને આડે હાથે લીધી હતી તેમજ નક્સલવાદ માટે કોંગ્રેસની આદિવાસીઓના શોષણની નીતિને જવાબદાર ગણાવી હતી. તેમજ કહ્યું હતું કે જે પણ હથિયાર ઉઠાવશે તેને કિંમત ચૂકવવી પડશે.
નક્સલવાદ માટે કોંગ્રેસ સરકારની નીતિઓને જવાબદાર
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે કોંગ્રેસના શાસન દરમિયાન આદિવાસી સમુદાયોનો વિકાસ થયો ન હતો. આ અગાઉ દેશભરના 12 રાજ્યો નક્સલવાદથી પ્રભાવિત હતા. પરંતુ હવે તે લગભગ સંપૂર્ણપણે નાબૂદ થયો છે. તેમણે નક્સલવાદના ઉદય માટે અગાઉની કોંગ્રેસ સરકારની નીતિઓને પણ જવાબદાર ઠેરવી હતી.
નક્સલવાદને નાબૂદ કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું
લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે વર્ષ 2014 માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ગરીબોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. આનાથી દેશના પછાત પ્રદેશોનો વિકાસ થયો. તેની બાદ નક્સલવાદને નાબૂદ કરવા માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, કારણ કે આ વિસ્તારોમાં નકસલવાદના લીધે વિકાસમાં નોંધપાત્ર અવરોધ ઉભો થયો હતો.
આ સિદ્ધિનો શ્રેય સુરક્ષા દળોને
તેમણે કહ્યું આ સિદ્ધિનો શ્રેય CAPF, COBRA, રાજ્ય પોલીસ અને DRG ના કર્મચારીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોને જાય છે. ડાબેરી ઉગ્રવાદ નાબૂદ થવાની આરે છે. આ એક એવી સિદ્ધિ જેના માટે જનતાનો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો છે. હું આ અભિયાન દરમિયાન પોતાના જીવ ગુમાવનારા સુરક્ષા કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
આજે આખરે વિકાસ બસ્તર સુધી પહોંચ્યો છે
ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્ર આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. લાંબા સમયથી દેશ નક્સલવાદના પ્રકોપનો ભોગ બન્યો હતો. પરિણામે, બસ્તર પ્રદેશ સુધી વિકાસ પહોંચવામાં નિષ્ફળ ગયો હતો. આજે આખરે વિકાસ આ વિસ્તારમાં પહોંચી રહ્યો છે. બસ્તરમાંથી પણ હવે નક્સલવાદ લગભગ નાબૂદ થઈ ગયો છે. જે કોઈ પણ હથિયાર ઉપાડશે તેમને કિંમત ચૂકવવી પડશે. અમે આદિવાસી સમુદાયોના અધિકારોને માટે કટિબદ્ધ છીએ.