Sat Aug 15 2026

Logo

દિલ્હીમાં ક્રિકેટની પિચ પર ફીલ્ડરે કર્યો `ગોલ'ઃ મૅચનો આવો અંત અગાઉ ક્યારેય નહીં આવ્યો હોય!

2026-08-06 17:49:33
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ટી-20 મૅચની અંતિમ પળોમાં થતી રસાકસીમાં બેમાંથી એક ટીમ છેલ્લી ઘડીના દમદાર પર્ફોર્મન્સથી હરીફ ટીમ પર જડબેસલાક પ્રભુત્ત્વ મેળવીને છેવટે જીત હાંસલ કરી લેતી હોય એવું આપણે અનેક વખત જોયું છે, પણ કોઈ ખેલાડીની હતાશા (નકારાત્મક અભિગમ) તેની ટીમને ઓચિંતો વિજય અપાવે એવી કદાચ પ્રથમ ઘટના બે દિવસ પહેલાં દિલ્હીમાં બની ગઈ.

દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)માં હિમ્મત સિંહ નામના ફીલ્ડરે મિસફીલ્ડિંગ બાદ અકસ્માતે બૉલને કિક મારી જેમાં બૉલ નૉન-સ્ટ્રાઇક એન્ડ પરના સ્ટમ્પ્સ પર ગયો હતો અને સામેથી દોડીને આવતો બૅટ્સમૅન રનઆઉટ થઈ ગયો હતો જેને પગલે મૅચ ત્યાં જ પૂરી થઈ જવાને બદલે સુપર ઓવરમાં ગઈ હતી.

અરુણ જેટલી સ્ટેડિયમમાં આઉટર દિલ્હી વૉલિયર્સ નામની ટીમે 156 રનનો લક્ષ્યાંક મેળવવા અંતિમ બૉલમાં એક જ રન બનાવવાનો હતો. પ્રથમ સલુજા નામના બૅટ્સમૅને બૉલને મિડ-ઑન તરફ મોકલ્યો અને વિનિંગ રન લેવા દોડ્યો હતો. સામેની દિશામાં ન્યૂ દિલ્હી ટાઇગર્સ ટીમને કૅપ્ટન હિમ્મત સિંહ આગળ આવીને બૉલ રોકવા ગયો, પણ મિસફીલ્ડને કારણે બૉલ કલેક્ટ નહોતો કરી શક્યો.

પોતાની ભૂલનો તેને ખૂબ પસ્તાવો થયો હતો અને હતાશામાં તેણે બૉલને લાત મારી હતી. યોગાનુયોગ, તેની લાત (Kick)માં બૉલ સીધો સ્ટમ્પ્સમાં ગયો હતો. સલુજા ત્યારે ક્રીઝમાં નહોતો પહોંચ્યો અને તે રનઆઉટ થઈ ગયો હતો. થોડી ક્ષણ સુધી હિમ્મત સિંહને કંઈ સમજાયું જ નહોતું, પણ સાથી ખેલાડીઓએ એ વિકેટ સેલિબ્રેટ કરવાનું શરૂ કર્યું ત્યારે હિમ્મતને સમજાયું કે પોતાની કિકમાં તેણે સલુજાને રનઆઉટ કરી દીધો છે. ફિફા વર્લ્ડ કપ થોડા દિવસ પહેલાં જ પૂરો થયો એટલે બની શકે કે હતાશામાં ક્રિકેટર હિમ્મત (Himmat)માં ફૂટબોલર પ્રવેશ્યો અને તેની કિકમાં તેની ટીમને બહુમૂલ્ય વિકેટ મળી ગઈ. ટૂંકમાં, તેની ડાયરેક્ટ હિટ હાથથી નહીં, પણ પગથી થઈ હતી.

આઉટર દિલ્હીના 155 રનના જવાબમાં હિમ્મત સિંહની આ અનોખી હિંમતને લીધે સિદ્ધાંત શર્માના સુકાનમાં ન્યૂ દિલ્હી ટાઇગર્સના પણ 155 રન બનતાં મૅચ સુપર ઓવરમાં ગઈ હતી. મુખ્ય મૅચમાં હિમ્મત સિંહે પચીસ બૉલમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી જે 61 રન બનાવ્યા હતા એને લીધે જ ન્યૂ દિલ્હી ટાઇગર્સની ટીમ 155 રનના સ્કોર સુધી પહોંચી શકી હતી અને આઉટર દિલ્હીને 156 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

સુપર ઓવરમાં આઉટર દિલ્હીએ મોનુ શુક્લાની ત્રણ સિક્સરની મદદથી છ બૉલમાં 1/20નો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં હિમ્મત સિંહ પ્રથમ બૉલની સિક્સર બાદ બીજા બૉલમાં આઉટ થઈ ગયો હતો અને ત્રીજા બૉલમાં ઋતિક શોકીને વિકેટ ગુમાવતાં ન્યૂ દિલ્હી ટાઇગર્સ 2/6ના સ્કોર સાથે પરાજિત થઈ હતી. આઉટર દિલ્હીની ટીમ મુખ્ય મૅચમાં હિમ્મત સિંહના કિકવાળા રનઆઉટ (Runout)ના કિસ્સા પછી પણ મૅચ જીતવામાં સફળ થઈ હતી.