Mon May 11 2026

Logo

ઊર્જા સંકટ અંગે એક્શનમાં કેન્દ્ર સરકાર: રાજનાથ સિંહની અધ્યક્ષતામાં તાબડતોબ બોલાવાઈ હાઈ-લેવલ બેઠક

2026-05-11 18:25:24
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊર્જા સંકટને પહોંચી વળવા માટે કરેલી અપીલ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજર રાખવા માટે રચાયેલા મંત્રીઓના જૂથ સાથે કટોકટીની બેઠક યોજી હતી. આ બેઠકમાં વર્તમાન વૈશ્વિક તણાવ અને તેની ભારત પર પડનારી આર્થિક અસરો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 

વૈશ્વિક પડકારોનો સામનો કરવા જનતાની ભાગીદારી જરુરી

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને રાજનાથ સિંહે પાંચમી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં રાજનાથ સિંહે જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર તમામ ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે સરાહનીય કામ કરી રહ્યું છે. તેમણે જનતાને ખાસ કરીને શાંત રહેવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે સરકાર જરુરી ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા માટે વિના કોઈ અવરોધ મહત્ત્વના મજબૂત પગલા ભર્યાં છે. તેમણે પીએમ મોદીની અપીલને સમર્થન આપતા કહ્યું કે વૈશ્વિક પડાકારોનો સામનો કરવા માટે લોકોની સામૂહિક ભાગીદારીની આત્મનિર્ભરતા અને ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે.

ગઇકાલે વડા પ્રધાન મોદીએ દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને વિદેશી મુદ્રા બચાવવા માટે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા તથા વિદેશ પ્રવાસ ટાળવા આહવાન કર્યું હતું. પીએમએ સ્પષ્ટ કર્યું હતું કે આ સંકટ માત્ર સરકાર માટે પડકાર નથી, પરંતુ દેશના 'નેશનલ કેરેક્ટર'ની કસોટી છે.

વડા પ્રધાને સૂચવ્યું હતું કે યુદ્ધને કારણે પેટ્રોલ અને ખાતરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે, જે સપ્લાય ચેઈન પર મોટું દબાણ ઊભું કરી રહ્યું છે. આ સ્થિતિમાં તેમણે નાગરિકોને કાર પૂલિંગ, મેટ્રો રેલનો ઉપયોગ, ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન અને ફરીથી 'વર્ક ફ્રોમ હોમ' જેવી પદ્ધતિઓ અપનાવવા અનુરોધ કર્યો હતો. 

બીજી તરફ, વડાપ્રધાનની આ અપીલ પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પીએમની આ અપીલો તેમની નિષ્ફળતાનો પુરાવો છે. રાહુલ ગાંધીએ 'X' પર પોસ્ટ કરીને દાવો કર્યો કે વડા પ્રધાન હંમેશાં પોતાની જવાબદારી જનતા પર ઢોળી દે છે, જેથી તેઓ પોતે જવાબદારીમાંથી બચી શકે. 

વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે દેશ ચલાવવો હવે સરકારના વશની વાત રહી નથી અને સામાન્ય જનતા પાસે ત્યાગની માંગણી કરવી એ સરકારની નિષ્ફળતા છે. પીએમની આ અપીલોને વિપક્ષે 'ઉપદેશ' ગણાવીને સરકારની આર્થિક નીતિઓ સામે સવાલો ઊઠાવ્યા છે, જેને પગલે હવે સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે.