Mon Aug 24 2026

Logo

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને હાઈકોર્ટની શરતી મંજુરી...

2026-02-14 22:40:30
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદઃ બરોડા ક્રિકેટ એસોસિએશનની આગામી માર્ચ મહિનામાં યોજાનારી  ચૂંટણીને હાઈકોર્ટે લીલીઝંડી આપી દેતા ચૂંટણી યોજવા અંગેની અડચણ દુર થઈ છે.  બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી અને ખજાનચી જેવા મહત્વના પદો માટે ચૂંટણી આગામી તારીખ 15 માર્ચના રોજ યોજાશે. આગામી 15મી માર્ચે યોજાનાર ચૂંટણીના પરિણામ મંજૂરી વગર જાહેર નહીં કરી શકાય તેવી માહિતી બહાર આવી હતી.  

બે લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી 

આ કેસ અંગેની મળતી વિગત મુજબ વડોદરાના પ્રદીપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ નામના બે લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેઓએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, બરોડા ક્રિકેટ એસોસિએશન સહિત પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર અને અમર પેટીવાલાને પક્ષકાર બનાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટના વર્ષ 2022ના ચુકાદાનો ઉલ્લેખ કરી 'સતત બે ટર્મ સુધી હોદ્દા પર રહેલા વ્યક્તિઓ માટે ત્રણ વર્ષનો કુલિંગ પિરિયડ ફરજિયાત જણાવી' અરજીમાં ઉલ્લેખિત આવા વ્યક્તિઓ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બનવાની વાત રજૂ કરી હતી.

ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી 

આ આધાર પર અરજદારો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ કિરણ મોરે સહિતના ઉમેદવારોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. અરજદારોનો આક્ષેપ હતો કે, ચૂંટણી અધિકારીએ આ વાંધાઓ પર કોઈ નિર્ણય લીધા વગર ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર કરી દીધી છે, જે લોકશાહી અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોના વિરુદ્ધ છે. સાથે જ આ મામલે ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓએ પણ ચૂંટણી અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લીધો હોવાનું જણાવી અરજદારોએ ફરિયાદ કરી હતી.

અરજીના નિકાલ માટે એક પ્રોસેસ અનુસરાતી હોય છે

જ્યારે આ મામલો કોર્ટમાં ચાલ્યો અને ત્યારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બરોડા ક્રિકેટ એસોસિએશન તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અમને આ અરજીદારો તરફથી ફરિયાદ મળી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં જરૂરી સુધારા બાદ આ મામલો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં આવે છે. જેમાં અરજીના નિકાલ માટે એક પ્રોસેસ અનુસરાતી હોય છે. જે અનુસાર બોર્ડને કોઈ પણ પક્ષ તરફથી ફરિયાદ મળે તો, તેના નિવારણ માટે ઓમ્બુડ્સમેનની રચના કરવામાં આવે છે.

બરોડા ક્રિકેટ એસોસિએશને પોતાનો પક્ષ રજૂ કરતા હાઈકોર્ટમાં વધુમાં કહ્યું હતું કે, આ કેસમાં અમને અરજદારોની રજૂઆત મળ્યા બાદ અમે આ પ્રોસેસ અનુસરી રહ્યા છીએ. જે અન્વયે ફરિયાદ નિવારણ માટે એક ઓમ્બુડ્સમેનની રચના પણ કરવામાં આવી છે, જેના ચેરમેન તરીકે કેરળ હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એ.જે. દેસાઈ કાર્યરત છે. તેથી અરજદારો પાસે વૈકલ્પિક કાનૂની ઉપાય ઉપલબ્ધ હોવાને કારણે સીધી હાઈકોર્ટ અરજી ટકાવી શકાય નહીં. આ માટે આ અયોગ્ય છે.

ઓર્ગેનાઇઝ્ડ ક્રિકેટ ઉપર BCCIનું સંપૂર્ણ પ્રભુત્વ છે

બરોડા ક્રિકેટ એસોસિએશનની દલીલના જવાબમાં અરજદારો તરફથી દલીલ કરવામાં આવી હતી કે, BCCI અને BCA સંપૂર્ણ ખાનગી સંસ્થાઓ નથી. ભારતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રિકેટ ઉપર BCCIનું સંપૂર્ણ પ્રભુત્વ છે. અને તેના પ્રતિનિધિઓ વિવિધ રાજ્ય ક્રિકેટ એસોસિએશનમાં સામેલ હોય છે. તેથી સુપ્રીમ કોર્ટના નિર્દેશોની અવગણના થઈ શકે નહીં.

તમામ પક્ષકારો તેમાં ભાગ લઈ શકે છે તેવું માન્યું 

જોકે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે એ પ્રાથમિક રીતે નોંધ્યું હતું કે, BCCI અને BCAને સંપૂર્ણ ખાનગી બોડી તરીકે ગણાવી શકાય નહીં. આ સાથે જ ચૂંટણી પ્રક્રિયામાં સ્ક્રૂટિની માત્ર ઔપચારિક પ્રક્રિયા નથી અને અયોગ્યતાઓ સામે કોર્ટ મૂક પ્રેક્ષક બની રહી શકે નહીં. જેથી હાઈકોર્ટે મૌખિક અવલોકન કરતા બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને નિર્ધારિત સમયસર યોજી અને તમામ પક્ષકારો તેમાં ભાગ લઈ શકે છે તેવું માન્યું છે.

આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ નિયત 

આમ તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા 15 માર્ચે યોજાનાર બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીને લીલી ઝંડી આપી હતી, જોકે કોર્ટે આ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું હતું કે, કોર્ટની પૂર્વ મંજૂરી વગર આ ચૂંટણી પરિણામ જાહેર કરી શકાશે નહીં, આ સાથે જ આ ચૂંટણીમાં વપરાતા બેલેટ પેપર પણ સુરક્ષિત રીતે રાખવાના જેવા આવા મૌખિક આદેશ સાથે કોર્ટે આ મામલે આગામી સુનાવણી 17 ફેબ્રુઆરીના રોજ નિયત કરી છે. હવે આગામી સુનાવણીમાં આ મામલે શું નિર્ણય લેવાય એના પર સૌની નજર રહેશે.