અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સમગ્ર તંત્રને સાબદું કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટે આ સ્થિતીમાં લોકોને એલર્ટ રહેવા અપીલ કરી છે.
નગરજનોને સલામત સ્થળોએ ખસી જવા અપીલ
અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નગરજનોને સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે.તેમણે નગરજનોને તકેદારીના તમામ જરૂરી પગલાં લેવા, બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા અને કોઈપણ આપાત પરિસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.
આગામી ૪૮ કલાક માટે મહત્વની અપીલ:
— Amdavad Municipal Corporation (@AmdavadAMC) July 30, 2026
હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક દરમિયાન અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નગરજનોને સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે.
તેમણે નગરજનોને… pic.twitter.com/mqZXPnIssk
કોર્પોરેશને નાગરિકોને ચેતવણી આપી
આ ઉપરાંત કોર્પોરેશને નાગરિકોને ચેતવણી આપી છે કે, ભારે વરસાદ અને તેજ પવનના કારણે વૃક્ષો, વીજ થાંભલા અને ઉપરથી પસાર થતા વીજ તાર નબળા પડી શકે છે. જે અકસ્માતનું કારણ બની શકે છે. તેથી પ્રતિકૂળ હવામાન દરમિયાન આવા સ્થળોએ ઉભા ન રહો કે આશરો ન લો.
નગરજનોએ બિનજરૂરી બહાર નીકળવા ટાળવા અપીલ
આ ઉપરાંત ભારે વરસાદની આગાહીને પગલે તકેદારીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંપૂર્ણ સજ્જ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ રદ કરી તંત્રને 24×7 ખડેપગે રહેવા સૂચના અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનીધિ પાનીએ આપી છે અને અપીલ કરી છે કે, નગરજનોએ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઇએ.
કંપનીઓ વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપે તેવી અપીલ
તેમજ શાળા-કોલેજો બંધ રાખવાના નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાનગી સંસ્થાઓ શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમને પ્રાધાન્ય આપે તેવી અપીલ કરી છે. આ ઉપરાંત શહેરીજનોએ કોઈપણ તાકીદની પરિસ્થિતિમાં એએમસીના કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે.