શ્રીલેખા યાજ્ઞિક
ઉનાળો શરૂ થાય તેની સાથે કાચી કેરીને વિવિધ રીતે ખાવાની શરૂઆત થઈ જતી હોય છે. શિયાળામાં તથા કેરીની મોસમ બરાબર શરૂ થાય તેની પહેલાં કેરીનો સ્વાદ માણવો હોય તો મનભરીને ખટ-મધુરી આંબા હળદર ખાઈ લેવી જોઈએ. આંબા હળદર ગુણોનો ભંડાર ગણાય છે. આંબા હળદરને પીળી તાજી હળદરની સાથે ભેળવ્યા બાદ તેમાં સંચળ-લીંબુનો રસ છાંટીને ખાવાથી ત્વરિત તાજગી મળી જાય છે. દૂધમાં છીણીને ઉકાળ્યા બાદ પી શકાય છે. તેનું શાક બનાવીને ખાઈ શકાય છે.
આંબા હળદરનો પાઉડર બજારમાં સરળતાથી મળી જાય છે. તેનો ઉપયોગ કરી શકાય છે. આંબા હળદરને ઘરે સૂકવીને પણ તેનો શુદ્ધ પાઉડર બનાવી શકાય છે. આંબા હળદરનો કાઢો બનાવીને પીવાથી શરીરમાં ત્વરિત તાજગી મળે છે. ગર્ભાવસ્થામાં આંબા હળદરનો ઉપયોગ નિષ્ણાતની સલાહ અનુસાર કરવો આવશ્યક છે.
આહાર તજજ્ઞોના મત અનુસાર આંબા હળદરમાં ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-બેક્ટેરિયલ તથા ઍન્ટિ-ઑક્સિડેટીવ તત્ત્વ ભરપૂર માત્રામાં સમાયેલાં હોય છે. આંબા હળદરનો સ્વાદ અન્ય હળદરની તુલનામાં સ્વાદિષ્ટ હોય છે.
આયુર્વેદમાં આંબા હળદરને ગુણોનો ખજાનો કહેવામાં આવે છે. આંબા હળદર કંદમૂળની જેમ જમીનમાં અંદર ઉગે છે. અગણિત લાભ ધરાવે છે. અસ્થમા, ત્વચા, સાંધા, કફ તેમજ ઘાની ઝડપી રૂઝ માટે અત્યંત લાભકારી ગણાય છે.
અંગ્રેજીમાં મેંગો જીંજર, સંસ્કૃતમાં કર્પુરા હરિદ્રા, સુગંધા, હિંન્દીમાં આંબા હળદર કર્પરા હળદર, બંગાળીમાં આમાડા, તમિળમાં કસ્તુરી મંગલ, ગુજરાતીમાં સફેદ હળદર, મરાઠીમાં આંબા હળદ કહેવામાં આવે છે.
આંબા હળદરને કાચી હળદર કે સફેદ હળદરના નામથી ઓળખવામાં આવે છે. તેનું સેવન કરવાથી વ્યક્તિ માનસિક તાણ, હતાશા જેવી સમસ્યામાં રાહત મેળવી શકે છે. હળદરમાં કરક્યુમિન નામક પૌષ્ટિક સત્ત્વ સમાયેલું હોય છે. જે લોહીમાં વધતાં કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
કૅન્સર જેવી ગંભીર બીમારીમાં આંબા હળદર અત્યંત ગુણકારી ગણાય છે. કૅન્સરની કોશિકાને વધતી રોકે છે. પુરુષોમાં ખાસ જોવા મળતાં પ્રોસ્ટેટે કૅન્સર તથા મહિલાઓમાં ઝડપથી વધી રહેલાં બ્રેસ્ટ કૅન્સરથી બચાવે છે. આંબા હળદર અસલી છે કે નહીં તે જોવું હોય તો આંબા હળદરને 1ગ્લાસ પાણી કે 1 ગ્લાસ દૂધમાં ઉકાળીને તેમાં ફીણ થાય તો તે અસલી હળદર છે. તેના સેવનથી શરીરનો સોજો કે વાગ્યા બાદ રૂઝ ના આવતી હોય તે આવવા લાગે છે. આંબા હળદરનો ઉપયોગ નિયમિત કરવો આવશ્યક છે.
બૉલિવૂડ સિતારા તેમની ત્વચાની સંભાળ માટે નિયમિત આંબા હળદર ખાવાનું પસંદ કરે છે.
આંબાહળદરના સ્વાસ્થ્યવર્ધક લાભ
આંબા હળદર શરીર ઉપરનો સોજો ઘટાડવામાં મદદરૂપ : આપણી પીળી હળદરની જેમ આંબા હળદરમાં પણ સોજા વિરોધી ગુણો સમાયેલાં છે. જેથી તેનું સેવન કરવાથી શરીર ઉપર આવેલાં સોજાને ઘટાડવામાં મદદ મળે છે. આંબા હળદરમાં રહેલાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણોને કારણે જૂની બીમારીને દૂર કરવામાં મદદ કરે છે.
પાચનતંત્રને મજબૂત બનાવે છે : આંબા હળદરનું સેવન પાચન તંત્રને માટે ઉત્તમ ગણાય છે. શરીરમાં પાચન ઍન્ઝાઈમને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે. આંબા હળદરનું સેવન કરવાથી ગેસ, અપચો, આંતરડા સંબંધિત રોગથી રાહત મેળવી શકાય છે. તાજી આંબા હળદરને બરાબર વહેતાં પાણીથી સ્વસ્છ કરીને તેના નાના ટુકડાં કાપી લેવાં. તેમાં સિંધવ મીઠું તથા લીંબુના રસને ઉમેરીને તેનો ઉપયોગ સવાર-સાંજ કરવો.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ગુણકારી : ઠંડીને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જતી હોય છે. જેને કારણે શરદી-ઉધરસ-કફ કેે તાવ જેવી બીમારી ઘર કરી જાય છે. આંબા હળદરનું સેવન મોસમી બીમારીથી બચાવવામાં અત્યંત ઉપયોગી છે.
ખાંસી -અસ્થમાની તકલીફમાં ગુણકારી: આંબા હળદરમાં ઍન્ટિ -એલર્જીના ગુણો સમાયેલાં હોય છે. જેવા કે ઍન્ટિ-બેક્ટેરિયલ, ઍન્ટિ-વાયરલ, ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી. જેને કારણે ઠંડીમાં ઝડપથી ઊથલો મારતો અસ્થમાના રોગમાં આંબા હળદરનો ઉપયોગ અત્યંત ઉપયોગી ગણાય છે. મોસમમાં બદલાવને કારણે ખાંસી, ગળામાં ખારાશ, પિત્ત કે કફ જેવી તકલીફમાં રાહતદાયક ગણાય છે. ખાંસી-અસ્થમાની તકલીફથી રાહત મેળવવા માટે આંબા હળદરનાં નાના નાના ટુકડા કરીને મધ સાથે લેવાનું લાભકારક ગણાય છે.
ત્વચાની સમસ્યાથી રાહત : આંબા હળદરનું સેવન ત્વચાની વિવિધ સમસ્યા જેવી કે ખીલ, કાળા ડાઘ, વારંવાર ખંજવાળ, સોરાયસિસથી રાહત અપાવે છે. તેનું મુખ્ય કારણ આંબા હળદરમાં ઍન્ટિ-ઓક્સિડન્ટ તથા ઍન્ટિ-બેક્ટેરિયલ ગુણો સમાયેલાં છે. ઍન્ટિ-ઓક્સિડન્ટ યુક્ત આહાર શરીરમાં બનતાં ખરાબ ઑક્સિજન (ફ્રી રેડિકલ્સ)ને શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી ગણાય છે. જે ત્વચાને તાજગી આપવાની સાથે લોહીમાં કૉલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ઍન્ટિ-ઓક્સિડન્ટથી ભરપૂર ખોરાકનો ઉપયોગ કરવાથી કૅન્સર જેવી બીમારીથી બચી શકાય છે.
સાંધાના દુખાવામાં આરામદાયક : આંબા હળદર સાંધાના દુખાવામાં અત્યંત પ્રભાવી ઉપયોગ ગણાય છે. કેમ કે આંબા હળદરમાં પ્રાકૃતિક રીતે જ ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ સમાયેલાં છે. જે સાંધાના દુખાવામાં તથા સોજાની સમસ્યામાં રાહત આપે છે. આંબા હળદરમાં આપણે ઉપર જોયું તેમ તેમાં કરક્યુમિન નામક સત્ત્વ સમાયેલું હોય છે. જે શરીરના હાનિકારક ઍન્ઝાઈમને રોકવામાં મદદ કરે છે. સાંધાના દુખાવમાં તેમજ સાંધાનો દુખાવો તથા અંગો ઉપર થતાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે.
આંબા હળદર-આમળાનો રસ (4 વ્યક્તિ માટે)
સામગ્રી : 2 મોટી આંબા હળદર, 2 નંગ મોટાં આમળાં, 10-12 નંગ ફુદીનાના પાન, સ્વાદાનુસાર સંચળ, 1 નાની ચમચી મરી પાઉડર. 500 ગ્રામ પાણી.
બનાવવાની રીત : આંબા હળદરને બરાબર સાફ કરી લેવી. આમળાંને તથા આંબા હળદરને ઝીણાં સમારી લેવાં. મિક્સરમાં આંબા હળદર-આમળાંને એકરસ કરી લેવાં. સંચળ- ફુદીનો તથા પાણી ભેળવીને ફરી પાછું એકરસ કરી લેવું. ગ્લાસમાં કાઢીને ઉપરથી મરી પાઉડર ભેળવીને સ્વાદિષ્ટ રસને તાજો પીવો.