(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવમાં વધારો થવાથી આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 923થી 927 અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 100ના સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વધુ ઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોનો નવી લેવાલીમાં અભાવ રહ્યો હતો અને માત્ર ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 100ના સાધારણ ઘસરકા સાથે રૂ. 2,63,250ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 923ના ઘટાડા સાથે રૂ. 1,54,913 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 927ના ઘટાડા સાથે રૂ. 1,55,536ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.7 ટકા ઘટીને આૈંસદીઠ 4506.49 ડૉલર અને ઑગસ્ટ ડિલિવરી વાયદામાં ભાવ 1.2 ટકાના ઘટાડા સાથે 4536.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત મે મહિનામાં સોનાના ભાવમાં બે ટકાનો ઘટાડો થયો હતો. તેમ જ આજે હાજરમાં ચાંદીના ભાવ પણ આગલા બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 75.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ગત સપ્તાહે અમે ઈરાનનાં લશ્કરી સ્થળો પર હુમલા કર્યા હોવાનું અમેરિકાએ જણાવ્યું હતું, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે તેના પ્રતિસાદમાં અમેરિકી બેઝ પર હુમલા કર્યા હોવાનું જણાવ્યું હતું, જ્યારે બીજી તરફ યુદ્ધનો અંત લાવવા માટે વાટાઘાટો પણ થઈ રહી છે. એક તરફ અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો સફળ થવાના આશાવાદ અને બીજી તરફ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માર્ગ ખૂલવા બાબતે અનિશ્ચિતતાના વલણમાં આજે ક્રૂડતેલના ભાવ વધી આવ્યા હતા અને ફુગાવો વધવાની ચિંતા સપાટી પર આવતા આજે સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એક્ટિવ ટ્રેડના વિશ્લેષક રિકાર્ડો ઈવાન્જેલિસ્ટાએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આજે વિશ્વ બજારમાં બે્રન્ટ ક્રૂડતેલના ભાવમાં ત્રણ ટકાનો ઉછાળો આવ્યો હતો.આમ ક્રૂડતેલના ભાવ વધતા ફુગાવામાં વધારો થવાની શક્યતા અને ફુગાવો વધે તો અમેરિકી ફેડરલ રિઝર્વ સહિત અગ્રણી કેન્દ્રવર્તી બૅન્કો વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા નબળી પડતી હોવાથી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારો રોકાણથી દૂર રહેતા હોય છે. એકંદરે હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવી 39 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર રોકાણકારો વ્યક્ત કરી રહ્યા છે.