Mon Sep 07 2026

Logo

3 વર્ષનું રિસર્ચ, 500 કલાકારો અને 144 સેટ્સ! આવી રીતે બન્યો ‘રામયણ’ને ટક્કર આપે તેવો આઇકોનિક શો, જાણો વિગત...

2026-06-01 14:26:00
Author: Vimal Prajapati
3 વર્ષનું રિસર્ચ, 500 કલાકારો અને 144 સેટ્સ! આવી રીતે બન્યો ‘રામયણ’ને ટક્કર આપે તેવો આઇકોનિક શો, જાણો વિગત...

નવી દિલ્હીઃ ભારતમાં 1980 અને 1990ના દાયકાને ભારતીય ટેલિવિઝન જગત માટે સુવર્ણ યુગ માનવામાં આવે છે. આ એ સમય હતો જ્યારે 'રામાયણ' અને 'મહાભારત' જેવા શોઝ જોવા માટે આખેઆખા ગામ ટીવી સ્ક્રીન સામે ગોઠવાઈ જતા હતા. આ એવા શો હતા જેણે લોકોને ટીવી સામે જકડી રાખ્યાં હતાં. પરંતુ શું તમને ખબર છે, રામાયણ અને મહાભારતને પણ ટક્કર આપે તેવો પણ એક શો આ દરમિયાન આવ્યો હતો. આ જ સમયગાળા દરમિયાન દૂરદર્શન પર એક અનોખો અને ઐતિહાસિક ધારાવાહિક રજૂ થયો, જેણે દર્શકોને ભારતના ભવ્ય ઈતિહાસ અને સંસ્કૃતિની સફર કરાવી હતી. પ્રખ્યાત ડાયરેક્ટર શ્યામ બેનેગલના નિર્દેશનમાં બનેલા આ શોનું નામ હતું 'ભારત એક ખોજ' (Bharat Ek Khoj). 

નેહરુના પુસ્તક પર આધારિત હતો ટીવી શો

આ શોએ તે સમયે લોકપ્રિયતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ક્લાસિક સિરીઝ મૂળભૂત રીતે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પ્રખ્યાત પુસ્તક ‘ધ ડિસ્કવરી ઑફ ઇન્ડિયા’ (The Discovery of India) પર આધારિત હતી. આ પુસ્તક સિંધુ ખીણની સભ્યતાની શરૂઆતથી લઈને ભારતની આઝાદી સુધીના અંદાજે 5,000 વર્ષના ગૌરવશાળી ઈતિહાસની ઊંડી માહિતી આપે છે. આ શોના નિર્માણમાં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ પણ અત્યંત મહત્વની ભૂમિકા ભજવી હતી અને પ્રોજેક્ટને પૂરો સપોર્ટ આપ્યો હતો.

'ભારત એક ખોજ' પાછળની અદ્ભુત મહેનત

આ શોનું શૂટિંગ શરૂ કરતા પહેલા મેકર્સ અને 22 પ્રખ્યાત ઇતિહાસકારો તેમજ 10 લેખકોની ટીમે સતત 3 વર્ષ સુધી સંશોધન કર્યું હતું. આ આખી સિરીઝમાં નાના-મોટા થઈને અંદાજે 500 જેટલા કલાકારોએ કામ કર્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે, હડપ્પા સંસ્કૃતિથી લઈને 19મી સદીના અલગ-અલગ યુગની સુંદરતા અને વાસ્તવિકતા પડદા પર બતાવવા માટે મેકર્સ દ્વારા 144 ભવ્ય સેટ તૈયાર કરવામાં આવ્યાં હતાં. બીજી ખાસ વાત એ છે કે, કલાકારોના કપડાંથી લઈને સેટ ડિઝાઇનિંગમાં કોઈ ભૂલ ન રહી જાય તે માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સહિતની સંસ્થાઓની મદદ લેવાઈ હતી અને શૂટિંગમાં 20 મહિનાનો સમય લાગ્યો હતો.

આ શોને IMDb પર 8.9 ની દમદાર રેટિંગ મળ્યું છે. 

‘ભારત એક ખોજ’ શોનું પ્રીમિયર વર્ષ 1988માં થયું હતું અને તે 1989 સુધી પ્રસારિત થયો હતો. દર રવિવારે સવારે લોકો આ શોનો નવો એપિસોડ જોવા માટે ટીવી સામે બેસી જતા હતા. 53 એપિસોડની આ પ્રખ્યાત સિરીઝ આજે પણ એટલી જ લોકપ્રિય છે. જો ડિજિટલ યુગની વાત કરીએ તો, IMDb પર આ શોને 10 માંથી 8.9 ની શાનદાર રેટિંગ મળેલી છે, જે દર્શાવે છે કે કન્ટેન્ટના મામલામાં આજે પણ આ શો સર્વશ્રેષ્ઠ છે. આવા શો હવે બનવા ખૂબ જ અઘરા છે, તે વખતે ઓછા સંસાધનો સાથે પણ ભવ્ય અને ઐતિહાસિક શો બનતા હતા.