Mon Jun 01 2026

Logo

દેશમાં એકસાથે અનેક સિસ્ટમ સક્રિયઃ કલાકના 90 કિમીની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડવાની ચેતવણી

2026-06-01 19:28:22
Author: Devayat Khatana
Article Image

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે દિલ્હી-NCR સહિત દેશભરમાં વાવાઝોડું આવવાની સંભાવના; કેરળમાં ચોમાસું બેસવાની તૈયારી

નવી દિલ્હી: ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ તેના તાજેતરના બુલેટિનમાં દેશભરમાં ફરી એકવાર વાવાઝોડું અને ભારે વરસાદ આવવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં એકસાથે અનેક પ્રણાલીઓ સક્રિય હોવાને કારણે સમગ્ર દેશનું હવામાન બદલાયું છે. 

ઉત્તર-પૂર્વીય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં 70થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમ જ મધ્યમથી તીવ્ર ગાજવીજ વરસાદ સાથે કેટલાક સ્થળોએ કરા પડવાની પણ શક્યતા છે.

હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર હાલમાં ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 3.1 થી 7.6 કિમીની ઊંચાઈ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં વરસાદ અને તેજ પવનનું કારણ બની રહ્યું છે. 

આ ઉપરાંત, પાકિસ્તાન અને રાજસ્થાન પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. પૂર્વ ભારતમાં દક્ષિણ ગંગા બેસિન, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઓડિશા પર અન્ય એક સિસ્ટમ સક્રિય હોવાથી ત્યાં 40થી 70 કિમી અને કેટલીક જગ્યાએ 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી વિનાશક પવન ફૂંકાવાની આશંકા છે.

દેશના અન્ય ભાગોની વાત કરીએ તો, પૂર્વોત્તર ભારત અને દક્ષિણ આસામ પર બનેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ભારતમાં દક્ષિણ-પૂર્વ મધ્ય પ્રદેશ પર સિસ્ટમ સક્રિય હોવાથી છત્તીસગઢ અને વિદર્ભમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. પૂર્વ વિદર્ભથી દક્ષિણ કેરળ સુધી ફેલાયેલી લો-પ્રેશર લાઇન અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચી રહી છે, જેના કારણે મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગણા અને કેરળમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.

દક્ષિણ કેરળ અને તમિલનાડુ પર નીચલા સ્તરે વધુ એક ચક્રવાતી પરિભ્રમણ હોવાથી કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની આગાહી છે. આ તમામ સાનુકૂળ પરિસ્થિતિઓને કારણે ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી એક-બે દિવસમાં ચોમાસું કેરળમાં દસ્તક આપી શકે છે. 
બીજી તરફ, ઉત્તર-પશ્ચિમ ભારતમાં 3 જૂનથી વધુ એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશે તેવી શક્યતા છે, જેના લીધે 3 થી 5 જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનમાં ફરીથી વાવાઝોડું અને કરા પડી શકે છે.

આ દરમિયાન દેશની રાજધાની દિલ્હી-NCRના લોકોને ગરમીથી થોડી રાહત મળી છે. આજે સવારે દિલ્હીના તમામ મુખ્ય હવામાન મથકો પર લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું નોંધાયું હતું. હવામાન વિભાગે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આશંકા વ્યક્ત કરીને 'યેલો એલર્ટ' જાહેર કર્યું છે. 

દિલ્હીના સફદરજંગમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી ઓછું એટલે કે 24.9 ડિગ્રી સેલ્સિયસ, પાલમમાં 22.8 ડિગ્રી અને લોધી રોડ ખાતે 23.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.