Sat Apr 18 2026

Logo

"મા શબરીના સોગંધ ખાવ, એક પણ ગામમાં કોંગ્રેસનો પંજો ન પહોંચવો જોઈએ": હર્ષ સંઘવી

2026-04-18 16:26:01
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
ડાંગ આહવા:
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર અર્થે ડાંગના આહવા ખાતે આયોજિત ભવ્ય 'વિકાસ સંકલ્પ સભા'ને સંબોધતા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ડાંગના રાજવી પરિવારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ એ ભૂમિ છે જ્યાં અંગ્રેજો પણ ક્યારેય રાજ કરી શક્યા નથી.

ડાંગ હંમેશા ધર્માંતરણ અને કુરિવાજો સામે લડતું આવ્યું છે. તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસે હંમેશા આદિવાસીઓના ફાળાને ભુલાવવાનું ષડયંત્ર રચ્યું છે, પરંતુ હવે આદિવાસી ભાઈઓએ કોંગ્રેસને ઉખાડી ફેંકી છે. ડાંગને પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બનવા બદલ ગૌરવ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ સરકારે ગામે-ગામ પાકા રસ્તા અને ઘર સુધી પાણી પહોંચાડવાનું કાર્ય કર્યું છે, તેમજ આદિવાસી બાળકોને સ્થાનિક સ્તરે જ ઉત્તમ શિક્ષણ મળે તે માટે લાયબ્રેરી અને કોલેજોની સુવિધા ઊભી કરી છે.

ખેડૂતોના હિતની વાત કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જે કામ કોંગ્રેસે 70 વર્ષમાં નથી કર્યું તે ભાજપે કરી બતાવ્યું છે; કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને એક હજાર પણ નહોતા મળતા, જ્યારે આજે ભાજપ સરકાર વર્ષે 6 હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા કરે છે. તેમણે મતદારોને આહવાન કર્યું હતું કે જ્યારે કોંગ્રેસીઓ મત માંગવા આવે ત્યારે તેમની પાસે 70 વર્ષનો હિસાબ માંગજો.

તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસ આદિવાસીઓના નામે રાજનીતિ કરી પોતાના મહેલો બનાવે છે, તેમને હવે સીધા કરવાનો સમય પાકી ગયો છે. અંતમાં તેમણે ઉપસ્થિત જનમેદનીને અપીલ કરી હતી કે, "મા શબરીની સોગંધ ખાવ કે ડાંગના એક પણ ગામ સુધી કોંગ્રેસનો પંજો પહોંચી ન શકે" અને ખેડૂતોનો હક જળવાય તે માટે ભાજપને વિજયી બનાવવા હાકલ કરી હતી.