Sat Sep 05 2026

Logo

ગુજરાતની ગ્રાહક અદાલતો રામ ભરોસે! 27 કમિશનમાં પ્રમુખ જ નથી, હજારો કેસો અટવાયા

2026-06-02 12:58:00
Author: Mayur Patel
ગુજરાતની ગ્રાહક અદાલતો રામ ભરોસે! 27 કમિશનમાં પ્રમુખ જ નથી, હજારો કેસો અટવાયા

અમદાવાદઃ ગુજરાત ગ્રાહક અદાલતોને લઈ ચોંકાવનારી વિગત સામે આવી છે. આરટીઆઈમાં થયેલા ખુલાસા મુજબ 27 ગ્રાહક કમિશનો પ્રમુખ વગર ચાલી રહ્યા છે.  આ ઉપરાંત કમિશનોમાં 48 જગ્યાઓ અને સપોર્ટ સ્ટાફની 152 જગ્યાઓ ખાલી પડી છે. એનજીઓ ઓલ ઈન્ડિયા કન્ઝયુમર પ્રોટેક્સન એન્ડ એકશન કમિટી દ્વારા RTI અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં આ વિગત સામે આવી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ ખાલી જગ્યાઓ ભરવામાં થઈ રહેલા વિલંબને કારણે પેન્ડિંગ કેસોની સંખ્યામાં ભારે ઉછાળો આવ્યો છે અને લાંબી મુદતો પડી રહી છે, જેના લીધે અંતે તો ગ્રાહકોએ જ ભોગવવું પડી રહ્યું છે. સ્ટાફની અછતને કારણે ફરિયાદ નિવારણ પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગઈ છે. જાન્યુઆરી 1990થી જિલ્લા કમિશનોમાં દાખલ કરાયેલી 3.22 લાખ ફરિયાદોમાંથી 45,167 કેસો હજુ પણ પેન્ડિંગ છે. રાજ્ય સ્તરે 43,241 અપીલો અને ફરિયાદોમાંથી 5847 કેસો વણઉકલ્યા છે. માત્ર અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ તો, તેના ત્રણ ગ્રાહક કમિશનોમાં જ 11,806 કેસો પેન્ડિંગ છે.

આરટીઆઈના જવાબમાં વિભાગે સુપ્રીમ કોર્ટના 21 મે, 2025ના એક આદેશનો હવાલો આપ્યો હતો. આ આદેશમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ચાર મહિનામાં નિમણૂકના નિયમોમાં સુધારો કરવા અને રાજ્ય સરકારોને તે સુધારાના ચાર મહિનાની અંદર નિમણૂકો પૂરી કરવા આદેશ આપ્યો હતો. વિભાગે જણાવ્યું હતું કે તેઓ આ નિમણૂકો કરવાની ગણતરી ધરાવે છે.

સૂત્રોએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સમયમર્યાદા નક્કી કરી હોવા છતાં, એક વર્ષ પછી પણ આ જગ્યાઓ ખાલી જ છે અને ઇન-ચાર્જ પ્રમુખો દ્વારા કામકાજ ચલાવવામાં આવી રહ્યું છે. મંજૂર થયેલી આ જગ્યાઓ ખાલી રાખવાને કારણે અરજદારોની મુશ્કેલીઓ માત્ર વધી રહી છે.