Mon Apr 20 2026

Logo

હવે કાશ્મીર ઘાટીમાં પહોંચશે ગુજરાતનું અમૂલ દૂધ, અમદાવાદ મંડળે રવાના કરી સ્પેશિયલ ટ્રેન

2026-04-20 19:13:22
Author: Devayat Khatana
Article Image

અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલસામાનના પરિવહન ક્ષેત્રે એક નવી ઊંચાઈ હાંસલ કરી છે. રેલવે દ્વારા પ્રથમ વખત જમ્મુ-કાશ્મીર માટે દૂધના ઉત્પાદનોની સ્પેશિયલ કાર્ગો રેક સફળતાપૂર્વક રવાના કરવામાં આવી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ) માટેની આ ખાસ ખેપ મહેસાણા નજીક આવેલા લિંચ સ્ટેશનથી લોડ કરવામાં આવી હતી, જે સીધી જમ્મુ-કાશ્મીરના બજારોમાં પહોંચશે.

આ માલગાડીમાં કુલ 20 BCN વેગન સામેલ છે, જેને વ્યૂહાત્મક રીતે બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમાંથી 10 વેગન બારી બ્રાહ્મણ અને બાકીના 10 વેગન ઉત્તર રેલવેના જમ્મુ-તવી મંડળ હેઠળ આવતા અનંતનાગ સ્ટેશન માટે મોકલવામાં આવ્યા છે. આ પરિવહન સેવા દ્વારા રેલવેને અંદાજે રૂ.24.62 લાખની માલભાડાની આવક પ્રાપ્ત થઈ છે, જે રેલવેની આર્થિક પ્રગતિમાં પણ મહત્વનો ફાળો આપશે.

ભારતીય રેલવેની આ પહેલ માત્ર ડેરી ઉત્પાદનોની અવિરત સપ્લાય ચેઈન સુનિશ્ચિત કરવા પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશના અંતરિયાળ વિસ્તારો સુધી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવાની રેલવેની પ્રતિબદ્ધતા પણ દર્શાવે છે. અગાઉ ઓક્ટોબર 2025માં, અમદાવાદ મંડળ દ્વારા ખારાઘોડા સ્ટેશનથી 1,350 ટન ઔદ્યોગિક મીઠાની ખેપ સફળતાપૂર્વક અનંતનાગ મોકલાઈ હતી, જે માલ પરિવહન ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થઈ હતી.

મીઠા બાદ હવે દૂધના ઉત્પાદનોની આ સફળ ખેપ દ્વારા અમદાવાદ મંડળે જમ્મુ-કાશ્મીર સાથેના વ્યાપારિક અને આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવ્યા છે. ગુજરાતના ડેરી અને ઔદ્યોગિક ક્ષેત્રોને કાશ્મીર ઘાટીના બજારો સાથે સીધું જોડાણ મળવાથી બંને પ્રદેશોના અર્થતંત્રને વેગ મળશે. આ પહેલથી ભવિષ્યમાં અન્ય ચીજવસ્તુઓના પરિવહન માટે પણ નવા દ્વાર ખૂલશે તેવી આશા રાખવામાં આવી રહી છે.