Fri Jun 19 2026

Logo

અમદાવાદમાં વરસાદથી ઝાડ પડ્યાં, હોર્ડિંગ્સ ઉડ્યાં, હજુ છે વરસાદની આગાહી કે નહીં ?

2026-05-06 09:16:39
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરના વાતાવરણમાં ગત મોડી રાત્રે પલટો આવ્યો હતો. આંધી અને વરસાદના કારણે અનેક જગ્યાએ ઝાડ પડ્યાં હતા.  હોર્ડિંગ્સ ઉડ્યાં હતા. અમદાવાદ બાપુનગર, નિકોલ, નરોડા, થલતેજ, શીલજ, એસજી હાઈ-વે, બોપલ-ઘુમા, સેટેલાઇટ, સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ મુજબ, રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે

અમદાવાદ સહિતના શહેરોમાં યલો એલર્ટ

વરસાદી માહોલ વચ્ચે પણ રાજ્યના મોટા શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ છે. અમદાવાદ શહેરમાં આગામી 6 દિવસ માટે 'યલો ઍલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે,  ગાંધીનગર અને રાજકોટમાં પણ ગરમીનો પારો 40ડિગ્રીને પાર કરી શકે છે. સુરત અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 31 ડિગ્રી થી 34 ડિગ્રી વચ્ચે રહેતાં ગરમીનું જોર ઓછું રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 10 દિવસ સુધી વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉકળાટ અને બફારો હજુ પણ યથાવત્ રહી શકે છે.  

બે દિવસ બાદ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ, દમણ તેમજ દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની પ્રબળ સંભાવના છે.  આ સમયગાળા દરમિયાન વરસાદની કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, તા. 9 થી 12 મે દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગરમ અને ભેજવાળી હવા રહેવાની સંભાવના છે.  આ સ્થિતિને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે.

ગઈકાલે ક્યાં પડ્યો હતો વરસાદ

ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતા. મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો હતો. વરસાદથી ઠંડક પ્રસરી હતી. દાહોદ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ભર ઉનાળે થયેલા આ વરસાદથી સામાન્ય લોકોને ગરમીમાં રાહત મળી હતી, પરંતુ જગતનો તાત મુશ્કેલીમાં મૂકાયો હતો. ખેતરોમાં ઊભેલા મકાઈ, બાજરી અને ઘાસચારાને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.