Fri Jun 19 2026

Logo

આ વીકએન્ડમાં થશે ગરમીમાંથી મોટી રાહત, આગામી અઠવાડિયામાં હળવા વરસાદના એંધાણ

2026-05-29 09:37:00
Author: Mumbai Samachar Team
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં કાળઝાળમાં શેકાતા નાગરિકોને મોટી રાહત મળવાની છે. હવામાન ખાતના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર શુક્રવારે (તા.29.5.2026)સાંજથી વાતાવરણમાં પલટો જોવા મળશે. અમદાવાદ સહિતના રાજ્યના મહાનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. ખાસ કરીને 30 મે સુધીમાં વરસાદી માહોલ જોવા મળશે. 3 જુન સુધીમાં રાજ્યના 11 જિલ્લાઓમાં ભારે પવન સાથે હળવો વરસાદ થાય એવા એંધાણ છે. 

ભારે પવન ફૂંકાવવાની આગાહી
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. આ પછી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. નવી દિલ્હીમાં ગુરૂવારે સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.પાકિસ્તાનમાં સક્રિય થયેલી સિસ્ટમની એક અસર પશ્ચિમના રાજ્યો પર થઈ શકે છે. દેશના હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર પશ્ચિમના રાજ્યોમાં ભારે પવન સાથે મિનિ વાવાઝોડા જેવું ચિત્ર જોવા મળી શકે છે. રાજ્યના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને કચ્છ જિલ્લામાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા હળવાથી મધ્યમ વરસાદ પડશે.

વાતાવરણની અસર દેખાશે
સૌરાષ્ટ્રના કાઠાળા જિલ્લાઓમાં વાતાવરણની અસર જોવા મળી શકે છે. આગામી સોમવારે અને મંગળવારે વરસાદનું જોર વર્તાશે. આ પછીના સમયગાળામાં ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. કેરળના કિનારે પહોંચેલું ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. આ કારણે એક સિસ્ટમ પશ્ચિમના રાજ્યો તરફ આગળ વધતા ચોમાસુ માહોલ જોવા મળશે. સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ જામશે. આ કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગરમી અને તાપમાંથી લોકોને મોટી રાહત મળી રહેશે. તાપમાન નીચું ઊતરતા વાતાવરણમાં ઠંડક પ્રસરશે. પણ થોડા વખત માટે બફારો યથાવત રહેતા માહોલ ઉકળાય ભર્યો રહી શકે છે.