અમદાવાદ: છેલ્લા અનેક દિવસોથી ગુજરાત યુનિવર્સિટી વિવાદના ઘેરામાં સપડાઈ છે અને તેનું કારણ છે પૂર્વ વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા. તેમના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ પગાર પર નિવૃત્ત અધિકારીઓની નિમણૂકોની તપાસ માટે વર્તમાન કુલપતિ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિમાં પક્ષપાતનો આરોપ થયો હતો. આ મુદ્દે વિવાદ શરૂ થયા બાદ હવે યુનિવર્સિટી દ્વારા હાઈકોર્ટના નિવૃત જજને આ અંગેની તપાસ સોંપવાનો નિર્ણય લેવાયો છે, જે આગામી ત્રણ મહિનાની અંદર તપાસ અહેવાલ પરત સોંપશે. વિદ્યાર્થી સંગઠનોના વિરોધ બાદ હવે તપાસ સમિતિના ગઠનથી પૂર્વ વીસીની મુશ્કેલીમાં વધારો થયો થઈ શકે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
શું છે સમગ્ર મુદ્દો?
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ તેમના કાર્યકાળ દરમિયાન નિવૃત્ત અધિકારીઓની ઊંચા પગારે થયેલી નિમણૂકોની તપાસ માટે વર્તમાન કુલપતિ દ્વારા રચવામાં આવેલી તપાસ સમિતિ પર પક્ષપાતનો ગંભીર આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થી સંગઠનોએ હિસાબ, GUSEC અને એસ્ટેટ જેવા મુખ્ય વિભાગોમાં નિવૃત્ત કર્મચારીઓને મોટા પગાર પેકેજ પર નિયુક્ત કરવામાં ગેરરીતિઓ થઈ હોવાની ફરિયાદો કર્યા બાદ આ તપાસ શરૂ કરવામાં આવી હતી. પૂર્વ વીસીએ પદ છોડ્યા બાદ યુનિવર્સિટીએ ત્રણ સભ્યોની તપાસ પેનલની રચના કરી હતી, જેની રચનામાં પાછળથી ફેરફાર કરવામાં આવ્યો હતો અને મળતા અહેવાલો મુજબ આ નવી પેનલે તેના તારણો પણ સુપરત કરી દીધા હતા.
જો કે આ દરમિયાન સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં નીરજા ગુપ્તાએ આ નવી સમિતિની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવતા પેનલની પુનઃરચના કરવાની માંગ કરી હતી. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપિત નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભરતી કૌભાંડ, PMJVK ની ગ્રાન્ટના દુરુપયોગની ફરિયાદો બાદ હવે ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ દિપક વ્યાસની એક સભ્યની તપાસ સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતિ પૂર્વ કુલપતિ વિરુદ્ધના આક્ષેપોની તપાસ કરી 3 મહિનામાં યુનિવર્સિટીને રિપોર્ટ સુપરત કરશે તેમ જાણવા મળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક દિવસોઠો ગુજરાત યુનિવર્સિટી પર કથિત ભ્રષ્ટાચારના આક્ષેપથી યુનિવર્સિટી ચર્ચાનું કેન્દ્ર બની હતી. ગુજરાત યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડન અને પર્યાવરણને લગતા વિવિધ પ્રોજેક્ટોમાં કથિત ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ યુનિવર્સિટી સત્તાધીશો સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રવક્તા ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી જાળવવામાં આવતો બોટનિકલ ગાર્ડન તેમજ ત્રણ નેચરલ વેટલેન્ડ ગાયબ થઈ ગયા છે અને ટેન્ડરના નામે કરોડો રૂપિયાના ખર્ચ છતાં પર્યાવરણને નુકસાન થયું છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે બોટની વિભાગના બોટનિકલ ગાર્ડનમાં 150થી વધુ વનસ્પતિ, છોડ અને વૃક્ષોની પ્રજાતિઓ હતી, જેમાં કેટલીક દુર્લભ પ્રજાતિઓ પણ સામેલ હતી. બોટની અને જીઓલોજીના વિદ્યાર્થીઓ માટે સંશોધનનું મહત્વ ધરાવતા આ ગાર્ડન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, આ વિસ્તાર મોરના બ્રિડિંગ ઝોન તરીકે પણ મહત્વનો હતો. અગાઉ અહીં 40થી વધુ મોર સહિત વિવિધ પક્ષીઓ જોવા મળતા હતા, પરંતુ ગાર્ડન નષ્ટ થતાં મોરના બ્રિડિંગમાં ઘટાડો થયો હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.