અમદાવાદ: ગુજરાતથી ગોકુળ અને મથુરા જવા ઇચ્છતા મુસાફરોને રેલવેએ એક મોટી રાહત આપ્યા બાદ હવે પશ્ચિમ રેલવેએ ગુજરાતથી પ્રયાગરાજ જવા ઇચ્છતા રેલવેના મુસાફરોને માથેથી કન્ફર્મ ટિકિટ મળવાની ચિંતા દૂર કરી દીધી છે. કારણ કે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, પ્રયાગરાજ અને ગાંધીગ્રામ વચ્ચે દોડતી ટ્રેન નંબર 04111/04112 દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનની સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે, જેના અંતર્ગત 13 વધારાના ફેરા દોડાવવામાં આવશે.
આ ટ્રેન 04111 પ્રયાગરાજ-ગાંધીગ્રામ સ્પેશિયલ તરીકે 18 જુલાઈથી 29 ઓગસ્ટ 2026 સુધી દર મંગળવાર અને શનિવારે દોડશે, જ્યારે 04112 ગાંધીગ્રામ-પ્રયાગરાજ સ્પેશિયલ તરીકે 19 જુલાઈથી 30 ઓગસ્ટ 2026 સુધી દર બુધવાર અને રવિવારે દોડશે. આ ટ્રેન ચાંદખેડા રોડ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ અને અજમેર સહિતના મુખ્ય સ્ટેશનો પર ઉભી રહેશે. રેલવે તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ટ્રેનનો રૂટ અને સમય-સારણી અગાઉ મુજબ જ રહેશે અને તેની ટિકિટ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ પહેલા મુસાફરોની વધતી માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેન નંબર 05046/05045 રાજકોટ–લાલકુઆં સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલના 11-11 વધારાના ફેરા લંબાવવાની જાહેરાત કરી છે. જે મુજબ ટ્રેન નંબર 05046 રાજકોટ–લાલકુઆં ટ્રેનના 20 જુલાઈથી 28 સપ્ટેમ્બર, 2026 સુધી તેમજ 05045 લાલકુઆં–રાજકોટ ટ્રેનના 19 જુલાઈથી 27 સપ્ટેમ્બર, 2026 સુધી ફેરા લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે બુકિંગ 11 જુલાઈ, 2026થી તમામ PRS કાઉન્ટરો તેમજ IRCTC પર ઉપલબ્ધ રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતી પ્રજા માટે રાજસ્થાન ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. વેકેશન કે રજાના દિવસોમાં ગુજરાતીઓ રાજસ્થાનમાં આબુ, જોધપુર, જેસલમેર, ઉદેપુરમાં ધામા નાખતા હોય છે, પરંતુ જોધપુર તરફ જતી ટ્રેનની ફ્રિક્વન્સી ઓછી હોવાથી કન્ફર્મ ટિકિટની એક મોટી માથાકૂટ રહેતી હોય છે, જો કે હવે રાજસ્થાનમાં ફરવા જવું હશે તો કન્ફર્મ ટિકિટ મળી રહેશે. કારણ કે અમદાવાદથી રાજસ્થાન તરફની એક નવી ટ્રેનની શરૂઆત થવાની છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રાજસ્થાન તરફ એક ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા સાબરમતી અને લાલગઢ વચ્ચે એક નવી ડેઇલી ટ્રેન સેવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત ટ્રેન નંબર 19407 (સાબરમતી-લાલગઢ) તારીખ 22 જૂનથી દરરોજ સાંજે 17:55 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 08:10 કલાકે લાલગઢ પહોંચશે, જ્યારે પરત ફરતી વખતે ટ્રેન નંબર 19408 (લાલગઢ-સાબરમતી) તારીખ 23 જૂનથી દરરોજ રાત્રે 21:05 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 11:30 કલાકે સાબરમતી પરત ફરશે.