Mon Jul 13 2026

Logo

ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષા માટે વન વિભાગના 25 ટ્રેકર કાયમી વોચ રાખશે

2026-07-13 18:10:26
Author: Pooja Shah
Article Image

પર્યટકોની સુરક્ષા માટે રાજ્ય સરકારની બેઠકમાં લેવાયા વિવિધ નિર્ણયો

ગાંધીનગર: જુનાગઢ શહેરમાં આવેલા ગિરનાર વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં ગિરનારની નવી સીડી માર્ગ પર અંદાજે 50માં પગથિયા નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. જેમાં ખેડા જિલ્લાના 11 વર્ષીય મયુરસિંહ ચૌહાણ ઉપર સિંહે હુમલો કર્યો હતો, જેમાં બાળકનું દુર્ભાગ્યે મૃત્યુ થયું છે. આ ઘટનાની ગંભીર નોંધ લઇ રાજ્ય સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સોમવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. 

વન અને પર્યાવરણ પ્રધાન અર્જુન મોઢવાડિયા અને રાજ્યકક્ષાના પ્રધાન પ્રવિણ માળીની હાજરીમાં  વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં  ભવિષ્યમાં આવી કોઇ ઘટના ન બને તે સંદર્ભે ગહન ચર્ચા કરી કેટલાક મહત્વનાં નિર્ણયો લેવામાં આવ્યા હતા. 

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે  ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં વન્યજીવોની અવરજવર વધુ રહેતા સંવેદનશીલ સ્થળોએ કાયમી ચેક પોસ્ટનું નિર્માણ કરી સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ ઉપરાંત, જૂનાગઢ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તમામ સંબંધિત વહીવટી વિભાગો સાથે સંકલન કરી ગિરનાર વિસ્તારમાં યાત્રાળુઓની સુરક્ષા, વન્યજીવ વ્યવસ્થાપન, ઇમરજન્સી રિસ્પોન્સ અને આંતરવિભાગીય સંકલન માટે એક સર્વગ્રાહી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) તૈયાર કરી તેનો અમલ કરવામાં આવશે. 

મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે  ગિરનાર અને દાતાર સીડી માર્ગને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરવામાં આવશે, જેથી વન્યજીવોને અનાવશ્યક ખલેલ ન પહોંચે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટે. વળી, સમગ્ર વિસ્તારમાં વન્યજીવોની હિલચાલ પર સતત નજર રાખવા માટે થર્મલ ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર યાત્રાઓની સુરક્ષા માટે વન વિભાગનાં 25 ટ્રેકર કાયમી વોચ રાખશે. 

ગિરનાર પર્વત પર આવતા યાત્રાળુઓની સુરક્ષા સંદર્ભે મોઢવાડિયાએ જણાવ્યું કે, યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે વન્યજીવ વિસ્તારમાં કેવી રીતે વર્તવું તે અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં માર્ગદર્શન, સૂચનાઓ અને સુરક્ષા અંગે સતત જાગૃતિ ફેલાવવામાં આવશે.