નવી દિલ્હીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ એમએસકે પ્રસાદનું માનવું છે કે ઈગ્લેન્ડ અને આયરલેન્ડ વિરુદ્ધ ટી-20 સીરિઝમાં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું યોગ્ય આંકલન કરી શકાય નહીં, કારણ કે ટીમના બે મુખ્ય ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ ઉપલબ્ધ નહોતા. ફિટનેસના કારણોસર પંડ્યા આ પ્રવાસનો ભાગ નહોતો જ્યારે બુમરાહને ટી-20 ફોર્મેટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. ભારતને આયરલેન્ડ સામે 0-2 અને ઈંગ્લેન્ડ સામે 0-4થી હારનો સામનો કરવો પડ્યો હતો.
પ્રસાદે જણાવ્યું હતું કે, "ટીમના નબળા પ્રદર્શન માટે ફક્ત મુખ્ય કોચને દોષિત ઠેરવી શકાય નહીં. એવું ન કહી શકાય કે ગંભીર ખેલાડીઓને પ્રેરણા આપવામાં અસમર્થ હતો. જ્યારે કોઈ ટીમ ટુર્નામેન્ટ કે વર્લ્ડ કપ જીતે છે ત્યારે તેનો શ્રેય ફક્ત કોચને આપી શકાય નહીં. સફળતા અને નિષ્ફળતા ઘણા પરિબળો પર આધાર રાખે છે.
તેમણે કહ્યું કે ગંભીરનું સાચું મૂલ્યાંકન ત્યારે થવું જોઈએ જ્યારે ભારત તેની આગામી ટી20 શ્રેણી પૂર્ણ ક્ષમતા ધરાવતી ભારતીય ટીમ સાથે રમશે. પ્રસાદે વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાંથી પડતો મુકવાના પર સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે સંજુને હંમેશાં પડતો મુકવો યોગ્ય નથી. સંજુને ટીમમાંથી બહાર કરવો એ એક મોટી ભૂલ હતી. તે ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં ભારતના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક છે. તે ઉછાળવાળી પીચો પર ખૂબ જ અસરકારક રીતે રમે છે."
ભૂતપૂર્વ પસંદગીકારે ઇંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ આપવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમના મતે, આનાથી ટીમ કોમ્બિનેશન પર બિનજરૂરી દબાણ આવ્યું.
તેમણે કહ્યું હતું કે, "જો કોઈ યુવા ખેલાડીનો વિકાસ કરવો હોય તો તેને ધીમે ધીમે પ્રમોટ કરવો જોઈએ. તેને આયરલેન્ડ કે ઝિમ્બાબ્વે જેવા પ્રવાસોમાં તક આપવી સમજી શકાય તેવી વાત છે પરંતુ 15 વર્ષના પ્રતિભાશાળી ખેલાડી સાથે ખૂબ કાળજી રાખવી જોઈએ."
તેમણે એમ પણ કહ્યું કે સૂર્યવંશીને પહેલા આયરલેન્ડ પ્રવાસ પર તક આપવી જોઈતી હતી અને તે પહેલાં જો તેને ઘરેલુ ક્રિકેટની આખી સીઝન રમવાની મંજૂરી આપવામાં આવી હોત તો તે વધુ સારું હોત.