Mon Jul 13 2026

Logo

ગુજરાતનું ગૌરવ: ઊંઝાના પ્રખ્યાત જીરૂ અને વરિયાળીને મળ્યું 'GI ટેગ', ખેડૂતોની મહેનતને મળી વૈશ્વિક ઓળખ!

2026-07-13 17:44:00
Author: Devayat Khatana
Article Image

ઊંઝા: ગુજરાતના સમૃદ્ધ અને ખંતીલા  કૃષિ ક્ષેત્ર માટે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જેમાં મહેસાણા જિલ્લાના ઊંઝાના પ્રખ્યાત જીરૂ અને વરિયાળીને સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI Tag) રજિસ્ટ્રેશન મંજૂર કરવામાં આવ્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ઊંઝાના સમૃદ્ધ કૃષિ વારસા, તેની અધિકૃતતા અને વિશ્વસ્તરીય ગુણવત્તાની ઓળખ સમાન છે. આ GI ટેગ કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC), ઊંઝાના નામે ક્લાસ 30 (મસાલા) હેઠળ નોંધવામાં આવ્યો છે.

આ પ્રક્રિયામાં ગુજરાત સરકારના બાગાયત નિયામક, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, સરદારકૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી અને એન્ટરપ્રીન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) એ મહત્વની ભૂમિકા ભજવી છે. આ માન્યતા મળવાથી દેશી અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ઊંઝાના જીરૂ અને વરિયાળીની વિશિષ્ટ ઓળખ અને ગુણવત્તાના ધોરણો વધુ મજબૂત બનશે.

હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરી 
આ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કરતા નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, GI ટેગને કારણે વૈશ્વિક સ્તરે પ્રોડક્ટની ઓળખ વધશે, નિકાસમાં વેગ આવશે અને ઉત્પાદનનું મૂલ્ય વધશે, જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને મળશે. ઉલ્લેખનીય છે કે, ઊંઝા ભારતનું સૌથી મોટું મસાલા વેપાર કેન્દ્ર ગણાય છે, જ્યાં જીરૂ અને વરિયાળીની ખેતી અને વેપાર પ્રદેશની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે.



થોડા દિવસ પહેલા જસદણની પટારી કળાને મળ્યું હતું સન્માન 
થોડા દિવસ પહેલા જ રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને તાલુકાની સદીઓ જૂની અને પ્રખ્યાત ‘જસદણ પટારી’ની પરંપરાગત સુશોભિત પેટી/પટારાની હસ્તકલાને વર્ષ 2025-26 માટે સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI Tag) રજિસ્ટ્રેશન મંજૂર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD) દ્વારા તેની 'ગ્રામ્ય વિકાસ નિધિ' (GVN) યોજના હેઠળ આ કલાને જીઆઈ ટેગ અપાવવા માટે નાણાકીય અને વહીવટી ટેકો પૂરો પાડવામાં આવ્યો હતો. આ સમગ્ર નોંધણી પ્રક્રિયા દરમિયાન કારીગરોમાં જાગૃતિ લાવવા, કલાના ઐતિહાસિક દસ્તાવેજીકરણ તૈયાર કરવા અને અરજી કરવા સુધીની તમામ કામગીરી સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન (CEE) ના માધ્યમથી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

આ ઐતિહાસિક GI રજિસ્ટ્રેશન મળ્યા બાદ હવે બજારમાં જસદણ પટારીના બ્રાન્ડિંગ અને માર્કેટ એક્સેસમાં મોટો સુધારો જોવા મળશે. આ કલાત્મક પટારીના ઉત્પાદન અને વેચાણ માટે માત્ર સ્થાનિક કારીગરો પાસે જ કાનૂની હક રહેશે, જેથી બજારમાં છેતરપિંડી કે નકલી માલનું વેચાણ બંધ થશે. નિષ્ણાતોનું માનવું છે કે આ કાયદાકીય સુરક્ષાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં જસદણની પટારીની માંગ અને કિંમતોમાં વધારો થશે તેમજ આ ક્ષેત્રમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાનોની ભાગીદારી વધશે અને ગુજરાતના પરંપરાગત વારસાના સંવર્ધન સાથે ટકાઉ આર્થિક વિકાસને વેગ મળશે.