Sat Sep 12 2026

Logo

કપાસનું વાવેતર કરતા ખેડૂતોને મળશે હેક્ટર દીઠ રૂ. ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય

2026-07-13 17:48:34
Author: Pooja Shah
કપાસનું વાવેતર કરતા ખેડૂતોને મળશે હેક્ટર દીઠ રૂ. ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ થી ૨૦૩૦-૩૧ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી (કપાસ ક્રાંતિ મિશન) અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી પાંચ વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઈનપુટ સહાય આપવામાં આવશે, તેમ કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. 

કૃષિ પ્રધાન જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર, દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેથી, આધુનિક ખેત પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે ‘મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી’ હેઠળ ગુજરાતને રૂ. ૧૩૪.८૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા ૨૧ જિલ્લાના એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે બે પ્રકારે સહાયની જોગવાઈ કરવામાં આવી છે. નિદર્શન ઘટક હેઠળ ‘ક્લોઝર સ્પેસિંગ ટેક્નોલોજી’ એટલે કે, ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીને રાજ્યના જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર ૯૦ સેમી x ૩૦ સેમીના અંતરે કરેલું હોય, તેમને પ્રતિ હેક્ટર રૂ. ૧૪,૦૦૦/-ની ઈનપુટ સહાય મળશે.

આ સાથે સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ ૯૦ સેમી x ૬૦ સેમીના અંતરે કપાસ વાવ્યો છે, તેમને પ્રતિ હેક્ટર રૂ. ૭,૫૦૦/-ની ઈનપુટ સહાય આપવામાં આવશે.  આ યોજનાનો લાભ એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ ૨ હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે, તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી.