અમદાવાદઃ અહીં આઇપીએલ (ipl)ના મુકાબલામાં શુક્રવારે કોલકાતા નાઇટ રાઇટર્સ (20 ઓવરમાં 10/180)નો યજમાન ગુજરાત ટાઇટન્સ (19.4 ઓવરમાં 5/181) સામે પરાજય થયો હતો. કોલકાતાના પરાજયની સંભાવના ઘણી હતી અને એવું જ બન્યું, પરંતુ મોટી વાત એ છે કે કોલકાતા (Kolkata)ની ટીમ પાંચમી મૅચ હાર્યું છે અને આ ટીમ સાવ તળિયે વધુ જામી ગઈ છે. છમાંથી પાંચ મૅચના પરાજય અને અનિર્ણીત પરિણામને લીધે મળેલા એકમાત્ર પૉઇન્ટ સાથે ભૂતપૂર્વ ચૅમ્પિયન કોલકાતાની ટીમ છેક 10મા નંબરે છે.
તમામ કૅપ્ટનોમાં ગિલ અગ્રેસર
કૅપ્ટન શુભમન ગિલ (86 રન, 50 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર) ફરી એક વખત ટીમની વહારે આવ્યો એટલું જ નહીં, તેણે કુલ 251 રન સાથે ઑરેન્જ કૅપ મેળવી લીધી છે. હાલમાં આઇપીએલમાં તમામ ભારતીય કૅપ્ટનો છે અને એ બધામાં ગિલ બૅટિંગમાં સૌથી સારું પર્ફોર્મ કરી રહ્યો છે. બાકીની ટીમોના ભારતીય કૅપ્ટનોમાં અજિંક્ય રહાણે, ઋતુરાજ ગાયકવાડ, રિષભ પંત, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, શ્રેયસ ઐયર, રજત પાટીદાર અને ઇશાન કિશન સામેલ છે.

2025નો સાઇ આ વખતે નિષ્ફળ
ગુજરાતનો ઓપનર સાઇ સુદર્શન (બાવીસ રન, 16 બૉલ, બે સિક્સર, એક સિક્સર) આ વખતે નિરાશ કરી રહ્યો છે. કારણ એ છે કે 2025ની આઇપીએલમાં તેણે હાઇએસ્ટ 759 રન કર્યા હતા અને ઑરેન્જ કૅપ જીત્યો હતો. જોકે આ વખતે તે રાજસ્થાન સામેની 73 રનની ઇનિંગ્સને બાદ કરતા બાકીના બધા દાવમાં નિષ્ફળ ગયો છે. તેણે શુક્રવારે કૅપ્ટન ગિલ સાથે 57 રનની ભાગીદારી જરૂર કરી હતી, પરંતુ ટીમને જોઈએ એવી શરૂઆત તે નથી કરાવી શક્યો.
મૅચ છેલ્લી ઓવર સુધી લંબાઈ
ગિલે શુક્રવારે વૉશિંગ્ટન સુંદર (13 રન, 13 બૉલ, એક ફોર) સાથે 46 રનની ભાગીદારી કરી હતી. અગાઉની મૅચોમાં ગિલ સાથેની જોડીમાં ટીમને ઉપયોગી ફાળો આપનાર વિકેટકીપર જૉસ બટલર પચીસ રનનું જ યોગદાન આપી શક્યો હતો. કોલકાતા વતી વરુણ ચક્રવર્તીએ બે વિકેટ તેમ જ વૈભવ અરોરા, સુનીલ નારાયણ અને રમણદીપ સિંહે એક-એક વિકેટ મેળવી હતી, પણ કોલકાતાને જિતાડી નહોતા શક્યા. 20મી ઓવરમાં ગુજરાતે પાંચ રનની જરૂર હતી. રમણદીપે ગ્લેન ફિલિપ્સની વિકેટ લેતાં મૅચ રોમાંચક સ્થિતિમાં આવી ગયો હતો. જોકે પ્રસિદ્ધ ક્રિષ્ના અને રાહુલ તેવાટિયાએ બે બૉલ બાકી રાખીને ગુજરાતને જિતાડી દીધું હતું.

ગ્રીન પણ કોલકાતાને ન જિતાડી શક્યો
એ પહેલાં, કોલકાતાએ 20 ઓવરમાં 180 રન કર્યા હતા. ચાર મૅચની ફ્લૉપ ઇનિંગ્સ બાદ અને એક મૅચમાં અણનમ 32 રન કરનાર ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન કૅમેરન ગ્રીન (79 રન, પંચાવન બૉલ, ચાર સિક્સર, સાત ફોર) છેક છઠ્ઠી મૅચમાં સારું રમતો જોવા મળ્યો. કોલકાતાનું ફ્રૅન્ચાઇઝી તેને આ સીઝન રમવાના 25.20 કરોડ રૂપિયા આપવાનું છે અને તે આ વખતે પહેલી જ વખત સારું રમ્યો. તે ઇનિંગ્સના અંતિમ બૉલ પર આઉટ થયો હતો. ગુજરાત વતી રબાડાએ ત્રણ તેમ જ સિરાજ અને અશોક શર્માએ બે-બે વિકેટ લીધી હતી.