અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજ્યમાં ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, સવારે 6 થી 8 કલાક દરમિયાન દાહોદના ફતેપુરામાં 0.79 ઇંચ, સુખસરમાં 0.47 ઇંચ તથા સંતરામપુરમાં 0.39 ઇંચ વરસાદ પડ્યો હતો.
મહેસાણાના ખેરાલુ અને અરવલ્લીના મેઘરજ અને માલપુર સહિત શામળાજીના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ખેરાલુ અને સતલાસણા પંથકમાં વહેલી સવારે આકાશમાં કાળા દિબાંગ વાદળો ઘેરાયા હતાં. આકાશમાં વાદળો ઘેરાતાં ખેડૂતોમાં ચિતા પ્રસરી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદ, ઝાલોદ, લીમડી,મીરાખેડી, વરોડ અને ડુંગરી સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યાના અહેવાલ છે. હાલ લગ્નની સિઝન હોવાથી લોકો ચિંતામાં મુકાયા છે. બીજી તરફ વરસાદને કારણે ખેડૂતોને નુકસાનની શક્યતા છે.

સુરેન્દ્રનગરમાં પણ ગત મોડી સાંજે પડ્યો વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં પણ ગત મોડી સાંજે જોરદાર પવન ફૂંકાયો હતો. દિવસભરના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાયલા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઉનાળાની મધ્યમાં વરસાદ પડતા સ્થાનિકોએ આશ્ચર્ય અનુભવ્યું હતું. જોકે, આ કમોસમી વરસાદ અને પવનના કારણે બાગાયતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભચાઉ તાલુકાના કડોલ, મનફરા, ખારોઈ, લાખાવટ અને ચોબારી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.

રાજ્યમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે.
ગઈકાલે રાજ્યમાં ક્યાં કેટલી નોંધાઈ ગરમી
રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, ભુજમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.5 ડિગ્રી, ભાવનગરમાં 40.7 ડિગ્રી, અમદાવાદમાં 39.4 ડિગ્રી, ગાંધીનગરમાં 39 ડિગ્રી, કંડલામાં 39.7 ડિગ્રી, ડીસામાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.