Sat Sep 05 2026

Logo

સાબરકાંઠા, સુરત અને અમદાવાદની આ 3 બેઠકો પર ફરી યોજાશે ચૂંટણી, જાણો વિગત....

2026-04-28 08:20:00
Author: Devayat Khatana
સાબરકાંઠા, સુરત અને અમદાવાદની આ 3 બેઠકો પર ફરી યોજાશે ચૂંટણી, જાણો વિગત....

અમદાવાદ: રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની 3 બેઠકો પર મતદાન રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  ત્યારે હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ઉમેદવારોના નિધનને કારણે મુલતવી રાખવામાં આવેલી ત્રણ તાલુકા પંચાયત બેઠકો માટે નવેસરથી ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 

જે ત્રણ બેઠકો પર પુનઃ મતદાનની જાહેરાત કરવામાં આવી છે તેમાં સાબરકાંઠાની વિજયનગર તાલુકા પંચાયતની 6-ચિતરીયા બેઠક, સુરતની બારડોલી તાલુકા પંચાયતની 3-અસ્તાન બેઠક અને અમદાવાદની બાવળા તાલુકા પંચાયતની 4-દહેગામડા બેઠક પરના ઉમેદવારોના અવસાનના કારણે 26 એપ્રિલનું મતદાન રદ કરવામાં આવ્યું હતું. હવે આ ત્રણેય બેઠકો પર આગામી 24 મે 2026ના રોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.  

આ નવા કાર્યક્રમ મુજબ, ચૂંટણી અંગેની સત્તાવાર નોટિસ 6 મેના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 11 મે છે, ત્યારબાદ 12 મેના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 13 મે સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. જે ઉમેદવારો અગાઉ હરીફ ઉમેદવાર તરીકે જાહેર થયેલા છે, તેઓએ ફરીથી ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.  

મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26 મેના રોજ આ ત્રણેય બેઠકોની મતગણતરી હાથ ધરવામાં આવશે. જો જરૂર જણાય તો 25 મેના રોજ પુનઃ મતદાન યોજવાની જોગવાઈ પણ રાખવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારીઓને આ અંગે જરૂરી કાર્યવાહી કરવા અને તમામ હરીફ ઉમેદવારોને જાણ કરવાના આદેશ આપ્યા છે.