Thu Sep 17 2026

Logo

ગુજરાતમાં વિવાદિત કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ, સાધુ-સંતોની લાગણી દુભાવવા બદલ ભવનાથ પોલીસની કાર્યવાહી...

2026-02-18 22:32:36
Author: Chandrakant Kanoja
ગુજરાતમાં વિવાદિત કીર્તિ પટેલ સામે બીજી ફરિયાદ, સાધુ-સંતોની લાગણી દુભાવવા બદલ ભવનાથ પોલીસની કાર્યવાહી...

જૂનાગઢ: જૂનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ ખાતે યોજાયેલા મહાશિવરાત્રિના મેળામાં કીર્તિ પટેલે મૃગીકુંડમાં ડૂબકી લગાવી નવો વિવાદ છેડ્યો છે. ભગવા વસ્ત્રો પહેરીને પ્રતિબંધિત વિસ્તારમાં સ્નાન કરવા બદલ અને સાધુ-સંતોના અપમાન બદલ કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ નોંધવામાં આવી હતી.

મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં ભારે નારાજગી

મળતી માહિતી મુજબ, કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતાં સાધુ-સંતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કીર્તિ પટેલે સાધુ-સંતોની લાગણી દુભાવી છે અને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. 

 

ગેરવર્તન બદલ PIએ તેની સામે પ્રથમ ફરિયાદ દાખલ કરાવી

અત્રે ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સામે 24 કલાકમાં આ બીજી ફરિયાદ છે. 17 ફેબ્રુઆરીના રોજ જ્યારે તે મૃગીકુંડમાં સ્નાન કરવા પહોંચી ત્યારે ત્યાં ફરજ પર રહેલા મહિલા પોલીસ ઈન્સ્પેક્ટર (PI)કે. જે. મોડ સાથે તેણે ઘર્ષણ કર્યું હતું. સરકારી ફરજમાં રૂકાવટ અને ગેરવર્તન બદલ PIએ તેની સામે પ્રથમ ફરિયાદ દાખલ કરાવી હતી.

જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં

એક પછી એક બે ફરિયાદો નોંધાતા જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલા આ મામલે પોલીસ કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. જૂનાગઢના ભવનાથમાં શ્રદ્ધાળુઓ અને સંતોના મલાજાને ઠેસ પહોંચાડતી આ ઘટનાને કારણે સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે.