Fri May 22 2026

Logo

ગુજરાતના સાબરકાંઠાના તલોદમાં 550 કિલો અખાદ્ય માવાનો નાશ કરાયો, ડેરીનું લાયસન્સ સસ્પેન્ડ

2026-05-21 20:30:46
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રોઝડ  ગામમાં આવેલી 'ભોલેનાથ ડેરી' પર  ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની  ફ્લાઈંગ સ્કવોડ દ્વારા ઓચિંતી તપાસ કરીને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 550 કિલો અખાદ્ય માવાનો નાશ કરાયો અને 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ ડેરીનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 

લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન પણ થતું હતું

આરોગ્ય રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાએ આ કાર્યવાહી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભોલેનાથ ડેરી પર અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ડેરીમાં મોટા પાયે ભેળસેળવાળો માવો બનાવવામાં આવતો હતો. આ ઉપરાંત કોઈપણ પ્રકારના જરૂરી લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન પણ થતું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ફૂડ સેફ્ટી અધિકારીઓએ સ્થળ પરથી કાયદેસરની કાર્યવાહી કરીને ખુલ્લા માવા તથા બરફીના નમૂના  લીધા છે, જેને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. આ સાથે ડેરીમાંથી અંદાજે રૂ. 5. 10 લાખની કિંમતનો 2548  કિલોગ્રામ ભેળસેળયુક્ત માવાનો જથ્થો જપ્ત  કરવામાં આવ્યો છે.

ડેરી સામે આગળની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, તપાસ દરમિયાન ડેરીમાં અત્યંત ગંદકી જોવા મળી હતી. આવી ખરાબ પરિસ્થિતિમાં બનાવેલો અન્ય 550  કિલોગ્રામ માવો લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. નિયમોના ભંગ બદલ કડક પગલાં લેતા વિભાગ દ્વારા ભોલેનાથ ડેરીને 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ' હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. આ પેઢીનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું છે. લેબોરેટરીમાંથી સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ આ ડેરી સામે આગળની કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

કડક તપાસ અને દેખરેખની કામગીરી સતત ચાલુ

આરોગ્ય રાજ્ય મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે તત્વો માત્ર નફાની લાલચમાં પ્રજાના આરોગ્ય સાથે રમત રમે છે તેમને રાજ્ય સરકાર ક્યારેય માફ નહીં કરે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આવી ભેળસેળયુક્ત અને ગેરકાયદે પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક તપાસ અને દેખરેખની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.