Wed May 06 2026

Logo

અબડાસાના ઘાસિયા મેદાનોમાં ફરી ગુંજશે ઘોરાડનો કલરવ, લુપ્તપ્રાય પ્રજાતિને બચાવવા વન વિભાગનો આવો છે પ્લાન

2026-05-06 10:32:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ દુર્લભ ઘોરાડના બચ્ચાનો શિકાર થયા બાદ, વન વિભાગ હવે વધુ સુરક્ષા અને વ્યવસ્થિત આયોજન સાથે રાજસ્થાનથી નવું બચ્ચું લાવવાની તૈયારી કરી રહ્યું છે. ગુજરાત હવે પડોશી રાજ્ય રાજસ્થાનથી બીજું ઈંડું લાવવાનું આયોજન કરી રહ્યું છે, જ્યાં આ લુપ્તપ્રાય પ્રજાતિની વસ્તી આશરે 100 જેટલી છે.

ગયા મહિને રાજસ્થાનથી એક ફળદ્રુપ ઈંડું લાવીને ગુજરાતમાં કુદરતી માળામાં મૂકવામાં આવ્યું હતું. તેમાંથી બચ્ચું પણ જન્મ્યું હતું, પરંતુ સુરક્ષાના અભાવે શિકારી પ્રાણીઓ તેને ખાઈ ગયા હતા. હવે કચ્છમાં સંપૂર્ણ સુરક્ષિત એન્ક્લોઝર બનાવવામાં આવી રહ્યા છે. આ વિસ્તારમાંથી રખડતા કૂતરાઓ અને અન્ય શિકારી પ્રાણીઓને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

વન વિભાગનો આવો છે પ્લાન

વન વિભાગ આ વિસ્તારમાંથી ગાંડા બાવળ દૂર કરશે અને ઘાસની ઊંચાઈ જાળવી રાખવા ચરાણ પર નિયંત્રણ મુકશે. ઘોરાડના બચ્ચાને કુદરતી રક્ષણ મળી રહે તે માટે આ પગલું લેવાશે. આ ઉપરાંત, વીજળીની લાઈનો અન્ડરગ્રાઉન્ડ કરવાની કામગીરી પણ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે અબડાસાના ઘાસિયા મેદાનોમાં લગભગ એક દાયકાના લાંબા અંતરાલ બાદ જન્મેલું અતિ દુર્લભ ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ’ (ઘોરાડ)નું બચ્ચું ભેદી સંજોગોમાં ગુમ થતાં વનવિભાગમાં દોડધામ મચી ગઈ હતી. બચ્ચાને શોધવા માટે વ્યાપક વિસ્તારમાં સ્કેનિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને વિશાળ વિસ્તારને કારણે કામગીરીમાં પડકારો સામે આવ્યા હતા. બચ્ચાનો કોઈ પ્રાણી દ્વારા શિકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

નોંધનીય છે કે, ગુજરાતમાં માત્ર એક જ માદા ઘોરાડ બચી હોવાથી કુદરતી સંવર્ધન અત્યંત મુશ્કેલ હતું. આથી 'જમ્પ-સ્ટાર્ટ' કન્ઝર્વેશન ટેકનિક હેઠળ રાજસ્થાનથી આશરે 770 કિલોમીટરનું  અંતર કાપી પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં ઇંડું નલિયા ખાતે લાવવામાં આવ્યું હતું. ૨૨ માર્ચના રોજ બચ્ચાના જન્મ બાદ 26 માર્ચથી માદા પક્ષીએ તેને સ્વીકારી ઉછેર શરૂ કર્યો હતો, જે ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ માનવામાં આવતી હતી.

વન વિભાગના સૂત્રોએ અગાઉ આ ટેકનિક દ્વારા જિલ્લામાં ઘોરાડની સંખ્યા 20થી વધુ લઈ જવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતો અને વોચર્સની ટીમ દ્વારા ઝેડ પ્લસ સુરક્ષા સાથે સતત મોનિટરિંગ છતાં બચ્ચાનું મોત થવું એ ગુજરાતના વન્યજીવ સંરક્ષણ પ્રયાસો માટે મોટો આંચકો હતો.