Sun May 03 2026

Logo

ગુજરાતમાં મહેસૂલ વિભાગની ચિંતન શિબિરનું આયોજન, નવીન ટેકનોલોજી અને પારદર્શિતા પર મંથન

2026-05-03 18:56:53
Author: Chandrakant Kanojia
Article Image

ગાંધીનગર : ગુજરાતમા 5 થી 7 મે  2026 દરમિયાન અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મહેસૂલ વિભાગની ત્રિ-દિવસીય 'ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. "વિઝન 2030 : ગુજરાતમાં લેન્ડ ગવર્નન્સનું ભવિષ્ય" જેવી મહત્વકાંક્ષી થીમ પર આધારિત આ ચિંતન શિબિરમાં રાજ્યના વહીવટી માળખાને વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં મનોમંથન કરવામાં આવશે.

જમીન વહીવટમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ અંગે ચર્ચા 

મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ આ સંદર્ભે જણાવ્યું હતું કે,ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવા માટે મહેસૂલ વિભાગનો રોડમેપ તૈયાર કરવામાં આ ચિંતન અગત્યની પૂરવાર થશે.આ શિબિરમાં મહેસૂલ વિભાગની વર્તમાન નીતિઓની સમીક્ષા અને વહીવટી પ્રક્રિયા પારદર્શક બનાવવા માટે વહીવટી અડચણોને દૂર કરવાની દિશામાં ચિંતન કરવામાં આવશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા નાગરિકોને અપાતી સેવાઓમાં વધુ પારદર્શિતા અને ઝડપ લાવવા પર ભાર મૂકવામાં આવશે. જમીન વહીવટમાં નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાહેર વિશ્વાસ વધારવા માટે ચિંતન શિબિર એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ સાબિત થશે. 

રેકર્ડના ડિઝિટાઇજેશન અને અપડેશન  પર મંથન 

ચિંતન શિબિર દરમિયાન વિવિધ મહત્વના વિષયો જેવા કે પેપરલેસ પ્રોપર્ટી રજીસ્ટ્રેશન, ઓનલાઇન કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, જનસેવામાં પારદર્શિતા અને જવાબદારી વધારવા માટેના પ્રયાસો, આવક રેકર્ડના ડિઝિટાઇજેશન અને અપડેશન વગેરે ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, જમીન માપણી (Survey/Re-survey) અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી બાબતોમાં આધુનિક વ્યૂહરચનાઓ ઘડવામાં આવશે.

ચિંતન શિબિરમાં જિલ્લા કલેક્ટરો, પ્રાંત અધિકારીઓ સહિતના ક્ષેત્રિય અધિકારીઓ સહિત ISRO, BISAG-N, IIT, IIM, IGNOU, Survey of India સહિતના નિષ્ણાતો પણ સહભાગી થશે અને વિવિધ વિષયો પર ગ્રુપ ડિસ્કશન, કેસ સ્ટડીઝ અને નિષ્ણાતોના વ્યાખ્યાનો દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે. વિભાગ માટે જરુરી વહીવટી સુધારાઓ માટે અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ અને કાયદાકીય નિષ્ણાતો સાથે પણ પરામર્શ કરી શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં આવશે.

નાગરિક કેન્દ્રી વહીવટ વધુ મજબૂત બનશે

મહેસૂલ વિભાગ દ્વારા અગાઉ યોજાયેલ એકશન સેમિનારમાં થયેલ ચર્ચાના વ્હાઇટ પેપર્સ અને તેના ઉપર થયેલ કાર્યવાહીની પણ ચર્ચા વિચારણા કરીને આ ચિંતન શિબિરના અંતે મહેસૂલ વિભાગ માટે એક સ્પષ્ટ અને અમલી બનાવી શકાય તેવો રોડમેપ તૈયાર કરવામાં આવશે. આ ચિંતન શિબિરની પહેલથી રાજ્યના લેન્ડ ગવર્નન્સમાં ક્રાંતિકારી ફેરફારો આવશે અને નાગરિકકેન્દ્રી વહીવટ વધુ મજબૂત બનશે.

મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંધવી, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા સહિત વરિષ્ઠ સચિવો અન્ય ઉચ્ચ અધિકારીઓ તથા વિષય તજજ્ઞો વિશેષ રીતે ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડશે.