Fri Jun 19 2026

Logo

ગુજરાતના એકમાત્ર વાઘને મળશે સાથી: ચોમાસા પછી થશે ‘મેગા મિલન’!

2026-06-02 10:34:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં એક કરતાં વધુ સમયથી વાઘની હાજરી છે. વાઘ માટે વાઘણ લાવવાની ઘણા સમયથી ચાલી રહેલી ચર્ચા વચ્ચે સારા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચોમાસા પછી ગુજરાતના એકમાત્ર વાઘને સાથી મળવાની સંભાવના છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી(NTCA)એ રાજ્ય સરકાર પાસે વસવાટ મૂલ્યાંકનનો વિગતવાર અહેવાલ માંગ્યો છે. રતનમહાલ વિસ્તારમાં વાઘણ લાવવા આ છેલ્લો મોટો અવરોધ છે.  આ પગલું રાજ્યમાં વાઘની ટકાઉ વસ્તી સ્થાપિત કરવાના પ્રયાસોનો એક ભાગ છે.

સૂત્રોએ જણાવ્યું કે મૂલ્યાંકન માટેની તૈયારીઓ  શરૂ થઈ ગઈ છે અને ચોમાસું પૂરું થતાં જ તે આટોપી લેવામાં આવશે.  NTCA એ સ્પષ્ટ કર્યું છે કે આ અહેવાલ સબમિટ અને મંજૂર થયા પછી જ માદા વાઘને અહીં લાવવામાં આવશે, જેમાં શિકારની ઘનતાના અંદાજો સામેલ હોવા જરૂરી છે.

વાઘે 120 ચોરસ કિમીનો વિસ્તાર બનાવ્યો પોતાનો પ્રદેશ

રતનમહાલના વાઘે દેવગઢ બારિયા, છોટાઉદેપુર, ડોલરિયા, સાગટાળા અને સુખી ડેમ વિસ્તારમાં આશરે 120 ચોરસ કિલોમીટરનો પોતાનો વિસ્તાર  બનાવી લીધો છે. આ તમામ રતનમહાલ વિસ્તારના 25 કિલોમીટરની ત્રિજ્યામાં આવે છે. છેલ્લા એક વર્ષથી આ પ્રાણી પર નજર રાખી રહેલા અધિકારીઓએ તેના સફળ શિકાર અને તે આ વિસ્તારમાં સારી રીતે અનુકૂળ થઈ ગયો હોવાના અન્ય પુરાવાઓ નોંધ્યા છે.

NTCA કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલાં, પ્રસ્તાવિત સાઇટ પર શિકારની ઉપલબ્ધતા, વસવાટની યોગ્યતા, જળ સંસાધનો, સુરક્ષાના પગલાં અને માનવ-વન્યજીવ સંઘર્ષના જોખમોની તપાસ આ વસવાટ મૂલ્યાંકન અંતર્ગત કરશે. ઓથોરિટીએ ફેબ્રુઆરીમાં યોજાયેલી એક બેઠક દરમિયાન, રાષ્ટ્રીય વાઘ ગણતરી પૂર્ણ થયા પછી માદા વાઘ મોકલવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી હતી અને ગુજરાતમાં ગણતરીની કવાયતને પણ લીલી ઝંડી આપી હતી.

આગામી પ્રજનન સીઝન પહેલાં આયોજન

કોઈપણ વન્ય પ્રાણીને નવા વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવે તે પહેલાં વસવાટ મૂલ્યાંકનની વિનંતી એ સામાન્ય રીતે છેલ્લી જરૂરિયાત હોય છે. ભારતમાં વાઘ નવેમ્બરથી એપ્રિલ વચ્ચે પ્રજનન કરે છે અને આ યોજનાનો ઉદ્દેશ્ય આગામી પ્રજનન સીઝન શરૂ થાય તે પહેલાં વાઘણને અહીં લાવવાનો છે.

વાઘણને એરલિફ્ટ કરીને નર વાઘના વર્તમાન વિસ્તારની નજીક છોડવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ માટે પોતાના મૂળ વિસ્તારમાંથી છૂટી પડી ગઈ હોય અથવા સાથીની શોધમાં ભટકતી હોય તેવી વાઘણ પસંદ કરવામાં આવશે. જો આવું કોઈ પ્રાણી ઉપલબ્ધ ન હોય, તો વિગતવાર સ્ક્રીનિંગ પછી જંગલમાંથી પકડાયેલી વાઘણ પર વિચાર કરવામાં આવી શકે છે. પસંદ કરાયેલી વાઘણનું હેલ્થ ચેકઅપ અને વર્તણૂકનું મૂલ્યાંકન કરવામાં આવશે. વાઘણને વાઘની નજીકના વિસ્તારમાં મુક્ત કર્યા પછી સતત દેખરેખ રાખવા માટે રેડિયો કોલર લગાવવામાં આવશે.  

6 વર્ષની ઉંમરનો છે વાઘ

અંદાજે 6 વર્ષની ઉંમરનો આ વાઘ ગયા વર્ષે ફેબ્રુઆરીના મધ્યમાં રતનમહાલ-મધ્ય પ્રદેશ સરહદ પર દેખાયો હતો અને ત્યારબાદ આ અભયારણ્યમાં સ્થિર થયો હતો. ત્યારથી, અધિકારીઓએ કેમેરા ટ્રેપ અને CCTV ફૂટેજ દ્વારા સતત તેની હિલચાલ નોંધી છે, જે વન્યજીવ નિષ્ણાતોના મતે કામચલાઉ રોકાણને બદલે સ્થાયી વસવાટ દર્શાવે છે. લાંબા સમયના આ વસવાટને કારણે હવે ગુજરાતને ફરી એકવાર ઓલ-ઈન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2026માં સ્થાન મળ્યું છે, જે દેશના સૌથી મોટા વન્યજીવ સર્વેક્ષણોમાંનું એક છે.

ગુજરાતમાં છેલ્લે ક્યારે વાઘ જોવા મળ્યો હતો

ગુજરાતમાં વાઘની છેલ્લી વસ્તી ગણતરી 1989માં કરવામાં આવી હતી, જ્યારે અધિકારીઓ માત્ર પંજાના નિશાન નોંધી શક્યા હતા પરંતુ વાઘ જોવા મળ્યો ન હતો. ત્યારબાદ 1992માં ગુજરાતને વાઘ ધરાવતા રાજ્યોની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યું હતું. ત્યારથી, 2019માં માત્ર એક વાર વાઘ જોવા મળ્યો હતો, પરંતુ તે માંડ 15 દિવસ જીવતો રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ લાંબા ગાળાના વસવાટને જોતા ગુજરાતને ફરીથી વાઘની હાજરી ધરાવતા રાજ્ય તરીકે સ્થાપિત કરવું માત્ર વાજબી જ નહીં પણ જરૂરી પણ છે.

 વાઘના સ્કેટ એનાલિસિસમાં સામે આવી હતી ચોંકાવનારી વિગત

ગુજરાતમાં એક વર્ષ કરતાં વધુ સમયથી વાઘે રતનમહાલના જંગલને પોતાનું ઘર બનાવ્યું છે. 120 ચોરસ કિમીના વિસ્તારમાં પોતાનું સામ્રાજ્ય જમાવનારા એકમાત્ર વાઘને લઈ હવે નવી માહિતી સામે આવી હતી. વાઘ સંપૂર્ણપણે જંગલી શિકારી સાબિત થઈ રહ્યો છે. તે માત્ર જંગલી પ્રાણીઓનો શિકાર કરી રહ્યો છ અને માનવ વસાહતથી દૂર રહે છે. 

સ્કેટ એનાલિસિસમાં શું આવ્યું સામે

વન વિભાગ દ્વારા કરવામાં આવેલા 'સ્કેટ એનાલિસિસ' (મળના નમૂનાનું પરીક્ષણ) મુજબ, આ વાઘના ખોરાકમાં મુખ્યત્વે હરણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેના ખોરાકમાં નીલગાય અને જંગલી ભૂંડના અંશો પણ જોવા મળ્યા હતા. માનવ વસવાટ ધરાવતા વિસ્તારોની વચ્ચે રહીને પણ પશુપાલકોના ઢોરને નુકસાન પહોંચાડ્યા વગર વાઘ કેવી રીતે જીવી રહ્યો છે, તેની આ અભ્યાસમાં માહિતી મળી હતી.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી એકત્ર કરાયેલા નમૂનાઓમાં વાઘના મળમાં ગાય-ભેંસ કે અન્ય પાલતુ પ્રાણીઓના કોઈ પુરાવા મળ્યા નથી. સૂત્રોએ જણાવ્યું કે, પશુઓના શિકારના કોઈ ચિહ્નો મળ્યા નથી. તમામ સંકેતો જંગલી શિકાર તરફ ઈશારો કરે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે વાઘ જાણીજોઈને ગામડાઓ અને પશુઓના ચરિયાણ વિસ્તારોથી દૂર રહે છે.

વન વિભાગે રતનમહાલના જંગલોમાં તેની ગતિવિધિ, ખોરાકની પદ્ધતિ અને વર્તણૂક પર નજર રાખવા માટે એક માળખાગત મોનિટરિંગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. ફિલ્ડ ટીમો વાઘના મળનું વિશ્લેષણ કર્યું હતું. તેના પંજાના નિશાન, નખના નિશાન અને 'સેન્ટ સ્પ્રે' (ગંધ છોડવાની પદ્ધતિ) નો રેકોર્ડ રાખી રહી છે. ભૌગોલિક લોકેશન ડેટાની મદદથી વાઘનો સંપૂર્ણ ઇકોલોજીકલ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વાઘ માનવ વસાહતથી રહ્યો છે દૂર

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અભ્યાસનો હેતુ વાઘનો ખોરાક અને તેના વિસ્તારના ઉપયોગને સમજવાનો છે. તેમણે ઉમેર્યું કે, સ્કેટ એનાલિસિસ શિકારની પ્રજાતિઓને ઓળખવામાં મદદ કરી હતી, જ્યારે ફિલ્ડ ચિહ્નો દ્વારા અમે તેની હિલચાલ અને પ્રાદેશિક વર્તણૂકનો નકશો તૈયાર કરાયો હતો. અત્યાર સુધી આ વાઘ માનવ વસાહતથી દૂર રહ્યો છે અને કોઈ ગામમાં પ્રવેશ્યો નથી.