Sun Jul 26 2026

Logo

રાજ્યમાં મેઘમહેર યથાવત, 24 કલાકમાં 20 તાલુકામાં બેથી સાડા પાંચ ઈંચ વરસાદ

2026-07-26 08:46:00
Author: Mumbai Samaxch
Article Image

રાજ્યમાં બે સક્રિય વરસાદી સિસ્ટમના કારણે આગામી કલાકોમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે,જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે તાપી, નવસારી, વલસાડ, અમરેલી, દાદરા અને નગર હવેલી તથા દમણમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ વરસવાની પણ આગાહી કરવામાં આવી છે. 

વલસાડના કપરાડામાં 5.5 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 204 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 5.5 ઈંચ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદ પડ્યો છે. અન્ય જિલ્લા અને તાલુકાની વાત કરીએ તો બનાસકાંઠાના ઓગડમાં 3.86 ઈંચ, નવસારીના ખેરગામમાં 3.39 ઈંચ, ખેડા જિલ્લાના નડિયાદમાં 3.31 ઈંચ, વલસાડના નાનાપોંધામાં 3.11 ઈંચ, અરવલ્લીના ભિલોડા તાલુકામાં 2.87 ઇંચ, પાટણ તાલુકામાં 2.83 ઇંચ, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં 2.8 ઈંચ, વલસાડના ધરમપુરમાં 2.64 ઈંચ, વાવ-થરાદના લાખણી તાલુકામાં 2.36 ઈંચ, મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં 2.36 ઈંચ, વાવ-થરાદના દિયોદર તાલુકામાં 2.36 ઈંચ વરસાદ ખાબક્યો છે. 

ઇડર તાલુકામાં 2.24 ઈંચ, વિસનગર તાલુકામાં 2.24 ઈંચ, બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 2.2 ઈંચ, સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં 2.17 ઈંચ, મહેસાણાના ઊંઝા તાલુકામાં 2.13 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત શામળાજી, વડનગર તાલુકામાં પણ 2 ઈંચની આસપાસ વરસાદ વરસ્યો છે.  

8 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી

દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર સહિત કુલ 18 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.