Sun Sep 06 2026

Logo

ગુજરાત માટે હજુ 48 કલાક ભારે, ક્યા ક્યા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી ? ઘરની બહાર નિકળતા જ નહીં..........

2026-07-24 09:56:00
Author: Mayur Patel
ગુજરાત માટે હજુ 48 કલાક ભારે, ક્યા ક્યા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી ? ઘરની બહાર નિકળતા જ નહીં..........

અમદાવાદઃ રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.  ગુજરાત માટે હજુ 48 કલાક ભારે છે. આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે અને કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડશે. તંત્ર દ્વારા પણ બે દિવસ સુધી લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

ક્યાં આપવામાં આવ્યું રેડ એલર્ટ

હવામાન ખાતાએ આગામી 48 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સક્રિય ચોમાસાની સિસ્ટમને કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓના જળસ્તરમાં વધારો અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતાને પગલે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

અમદાવાદમાં ભારે વરસાદની આગાહી

રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં પણ આજે સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને ટ્રાફિક પર અસર થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં છે.

દક્ષિણ ગુજરાતમાં ક્યાં આપવામાં આવ્યું ઓરેન્જ એલર્ટ

સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવનાને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતો તેમજ નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદના કારણેઅમદાવાદ, નવસારી, વલસાડ, સુરત સહિતના શહેરમાં ભારે તારાજી સર્જીઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. અત્યાર સુધીમાં અંદાજે 38 હજાર લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.