Wed Aug 26 2026

Logo

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૮૯૯  વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીઃ કૉંગ્રેસ

2026-07-29 19:37:59
Author: Pooja Shah
ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૮૯૯  વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીઃ કૉંગ્રેસ

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૮૯૯  વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે.  વર્ષ ૨૦૨૪માં ૫૬૮ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું છે.  એટલે ગુજરાતમાં સરેરાશ દર બે દિવસે ત્રણ વિધાર્થીઓ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. પરીક્ષામાં નાપાસ થવાના ડરથી ૧૦૮ માસૂમ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું જ્યારે બેરોજગારીના લીધે ૧૫૯ યુવાનોએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧,૦૨૪થી વધુ દીકરીએ આપઘાતનું અતિમ પગલું ભર્યું છે. તાજેતરમાં નીટની પરીક્ષાનાં પેપર લીકના કારણે હતાશ – નિરાશ થઈને ૨૧ જેટલા આશાસ્પદ બાળકોએ આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું હતું જેમાંથી એક આશાસ્પદ વિદ્યાર્થી ગુજરાતનો છે. રાજ્યમાં વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય, શિક્ષણ વ્યવસ્થા અને રોજગારની આશાઓ ગંભીર સંકટમાંથી પસાર થઈ રહી છે. વર્ષ ૨૦૨૪માં દેશમાં ૧૪,૪૮૮ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૪૧,૪૨૪ જેટલા વિધાર્થીઓએ આત્મહત્યા કરી છે. છેલ્લા એક દાયકામાં વિદ્યાર્થી આત્મહત્યાના કેસોમાં ૮૦ ટકા વધારો નોંધાયો છે.


વર્ષ ૨૦૧૪થી ૨૦૨૪ દરમિયાન ૧.૨૩ લાખથી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,જ્યારે ૨૫,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માત્ર પરીક્ષામાં નિષ્ફળતાના કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું તેમણેે જણાવ્યું હતું. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૪ દરમિયાન ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ૬૩,૯૧૫ બાળકો અને કિશોરોએ આત્મહત્યા કરી એટલે કે દેશમાં દરરોજ સરેરાશ ૪૦થી વધુ બાળકો અને કિશોરો આત્મહત્યા કરે છે. ભારત અને ગુજરાતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાઓ હવે વ્યક્તિગત દુઃખદ ઘટનાઓ નથી રહી, પરંતુ દેશની શિક્ષણ, રોજગાર અને માનસિક આરોગ્ય વ્યવસ્થાની ગંભીર નિષ્ફળતાનું પ્રતિબિંબ છે.

આજે લાખો વિદ્યાર્થીઓ અસહ્ય શૈક્ષણિક દબાણ, પેપર લીક, પરીક્ષા ગેરરીતિઓ, ભરતીમાં વિલંબ, વધતી બેરોજગારી અને શિક્ષણના બેફામ વ્યાપારીકરણ વચ્ચે પોતાનું ભવિષ્ય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, તેવો આક્ષેપ તેમણે કર્યો હતો. વિદ્યાર્થીઓ પુસ્તકો સામે નહીં, પરંતુ ભ્રષ્ટ અને નિષ્ફળ શિક્ષણ વ્યવસ્થા સામે હારી રહ્યા છે ત્યારે, અતિ બેફામ ખર્ચાળ શિક્ષણ વ્યવસ્થા, પેપરલીક, પરીક્ષા ગેરરીતિ અને ભરતી કૌભાંડ સામે માત્ર “એક્ટ નહિ એક્શન”ની માંગ તેમણે કરી હતી.