અમદાવાદઃ ગુજરાતમાં વધતા જતા સાયબર ક્રાઇમ અને ઓનલાઇન છેતરપિંડીના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત પોલીસે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યમાં ચલાવવામાં આવેલા ‘મ્યુલ હન્ટ 2.0’ અભિયાન અંતર્ગત પોલીસે વિવિધ જિલ્લાઓમાંથી 13 રીઢા સાયબર ગુનેગારોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ ટોળકી દેશભરમાં 613 કરોડ રૂપિયાથી વધુની ઓનલાઇન છેતરપિંડીમાં સામેલ હતી. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, પકડાયેલા આરોપીઓમાંથી મોટાભાગના માત્ર 8 ધોરણ પાસ છે, તેમ છતાં ટેક્નોલોજીના દુરુપયોગમાં તેઓ માહિર હતા.
ક્યાં-ક્યાં થઈ કાર્યવાહી?
ગુજરાત પોલીસના સાયબર સેલે અમદાવાદ, સુરત, ગાંધીનગર, ભરૂચ અને રાજકોટ સહિતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને આ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ધરપકડ બાદ દેશભરમાં નોંધાયેલા 982 જેટલા સાયબર ફ્રોડના કેસ ઉકેલવામાં પોલીસને મોટી સફળતા મળી છે. રાજકોટથી પકડાયેલો વિમલ જાડા આ સમગ્ર કૌભાંડનો મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ અને સુરતમાંથી ઝડપાયેલી ગેંગ પાસેથી અસંખ્ય બેંક પાસબુક, ખાતા સંબંધિત દસ્તાવેજો અને મહત્વના ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.
કેવી રીતે આચરતા હતા છેતરપિંડી?
સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ‘મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત કુલ 4 અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. મુખ્ય આરોપી વિમલ ઝાડા ટેલિગ્રામ અને અન્ય ડાર્ક વેબ માધ્યમોથી સામાન્ય નાગરિકોનો લીક થયેલો ડેટા જેમ કે, બેંક કસ્ટમર આઈડી, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર વગેરેની માહિતી મેળવતો હતો. આ ડેટાના આધારે તે ગ્રાહકોને બેંક અધિકારી બનીને ફોન કરતો અને સોશિયલ એન્જિનિયરિંગની મદદથી વાતોમાં ભોળવી ઓટીપી મેળવી લેતો હતો.
આ સાથે OTP મળતા જ આરોપીઓ ગ્રાહકના ઇન્ટરનેટ બેંકિંગનો પાસવર્ડ બદલીને ખાતામાંથી તમામ રકમ પોતાના બોગસ ખાતાઓમાં ટ્રાન્સફર કરી લેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે અમદાવાદ અને સુરતની ગેંગે સાયબર ક્રાઇમના પૈસા ટ્રાન્સફર કરવા માટે ટ્રાન્ઝેક્શન નેટવર્ક બનાવ્યું હતું. તેઓએ 'જેપેલિન ઓવરસીઝ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ' અને સુરતના વેસુ રોડ પર 'ઝેપેલિન ઓવરસીઝ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડ' નામે નકલી કંપનીઓ ખોલી હતી.
આરોપીઓ 4% થી 8% સુધીનું કમિશન મેળવતા
દરોડા દરમિયાન 20થી વધુ અલગ-અલગ બેંક ખાતાઓની જાણકારી મળી આવી છે. આ ખાતાઓનો ઉપયોગ ઓનલાઇન છેતરપિંડીના નાણાં સગેવગે કરવા માટે થતો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આ ગેરકાયદેસર વ્યવહારો અને નકલી બેંક ખાતા સપ્લાય કરવા બદલ 4% થી 8% સુધીનું કમિશન મેળવતા હતા. પકડાયેલા આરોપીઓમાં નકલી ખાતાધારકો, એકાઉન્ટ ઓપરેટર્સ અને ટેકનિકલ હેકર્સનો સમાવેશ થાય છે. આ ટોળકી આ પૈસા ક્યાં મોકલતી હતી અને તેને કેવી રીતે વ્હાઇટ મનીમાં કન્વર્ટ કરતી હતી, તેની તપાસ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે.